January 22, 2025

બનાસકાંઠાની નગરપાલિકા દેવામાં, ડીસાનું 13 કરોડ તો પાલનપુરનું 32 કરોડ બિલ બાકી!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાની નગરપાલિકાની હાલત એવી છે કે બીલના ભારણ હેઠળ આ નગરપાલિકાઓ દબાઈ ગઈ છે. ત્યારે પ્રજાના ટેક્સના પૈસા ક્યાં જાય છે એ એક સવાલ છે. ડીસા નગરપાલિકાનું લાઈટ બિલ રૂપિયા 13 કરોડ બાકી છે, તો પાલનપુર નગરપાલિકાનું પાણીનું 32 કરોડ બિલ બાકી છે. જો કે, ડીસા નગરપાલિકાએ તો સરકારમાંથી આ બિલ ચૂકવવા માટે લોન માગી છે અને પાલનપુર પાલિકાએ પણ સરકાર પાસે કરોડોની લોન માગી છે. ત્યારે સવાલ એ થાય કે છે આ વહીવટ કયા પ્રકારનો થઈ રહ્યો છે.

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા પાણીનું બિલ ચૂકવી નથી શકતી. તેની 32 કરોડ જેટલી રકમ પાણી પુરવઠા વિભાગને ચૂકવવાની બાકી છે. પાલનપુર નગરપાલિકા 6 લાખ રૂપિયા દર માસે ચૂકવી રહી છે, પરંતુ પાણીના જથ્થાને જોતા આ બિલ વધી રહ્યું છે 2022માં 25 કરોડ બિલ હતું, જે વધીને 2024માં 32 કરોડ થયું છે. પાલનપુર નગરપાલિકાને આ બિલ ચૂકવવા માટે સરકાર પાસેથી લોન લેવા માટે દરખાસ્ત કરવાની ફરજ પડી છે. ત્યારે સવાલ એ થાય છે કે નગરપાલિકાના સત્તાધીશો કયા પ્રકારનો વહીવટ કરે છે કે કરોડોના દેવા પાલનપુરની પ્રજા માથે થઈ રહ્યા છે.

ડીસા નગરપાલિકા પણ દેવામાં પાછળ નથી. તેમનું 13 કરોડ જેટલું લાઈટ બિલ બાકી છે. ખાસ કરીને જે પાણી સપ્લાય કરતા બોર હોય તેનું ભારણ છે અને આ ભારણ ડીસાની પ્રજા ઉપર છે. ડીસા નગરપાલિકા રજા ટેક્સ તો સમયસર ચૂકવે છે, પરંતુ આ ટેક્સના પૈસાનો વહીવટ અને સ્વભંડોળના પૈસા કયા વહીવટમાં જાય છે એ ખબર નથી પડતી. અત્યારે તો ડીસા નગરપાલિકાએ સરકાર પાસે 9 કરોડની લોન માગી છે.