ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ, ક્વોલિટી સારી ન બનતા નુકસાન

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ સમગ્ર દેશભરમાં રાજગરાના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટ યાર્ડમાં હાલ રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. ડીસાના રાજગરાની માગ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં રહે છે. પરંતુ આ વર્ષે ડીસામાં રાજગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરાની ક્વોલિટી સારી ન બનતા રાજગરામાં ખેડૂતોને હાલ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ડીસા ખાતે થતો રાજગરોએ હાલમાં વિશ્વના 10થી પણ વધુ દેશોમાં જાય છે, ખાસ તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વભરમાં ડીસાનો રાજગરો મોકલવામાં આવે છે.
દેશ અને વિદેશમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટ યાર્ડનું નામ મોખરે છે. દેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે. એટલું જ નહીં, પરંતુ ડીસા પંથકમાં થતા રાજગરાનો મોટો દાણો હોવાથી માત્ર ગુજરાત જ નહીં. પરંતુ વિશ્વના યુરોપ, આરએફ અને યુએસ સહિત 10થી વધુ દેશોમાં આ રાજગરાની નિકાસ કરવામાં આવે છે.
અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં નવા રાજગરા પાકની આવક શરૂ થઈ ગઈ છે. અત્યારે દરરોજની રાજગરાની આવક 1100થી 1200 બોરીની નોંધાઈ રહી છે અને ખેડૂતોને 1100થી 1300 સુધીના ભાવ મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું તાપમાને રાજગરા માટે સૌથી સારું માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાજગરાનું વાવેતર કરી તેને ડીસા માર્કેટ યાર્ડમાં લાવવામાં આવે છે. તે રાજગરાની માગ ભારત દેશના રાજ્યોમાં તો થાય છે. પરંતુ વિશ્વના 10થી પણ વધુ દેશના લોકો પોતાના ખાવાની 52 જેટલી વસ્તુઓમાં ઉપયોગ કરે છે.
ડીસાનો રાજગરો તેની ગુણવત્તા અને સફેદ કલરનો મોટો હોવાના કારણે વિદેશમાં તેની માગમાં દર વર્ષ રહે છે. તો બીજી તરફ ડીસાના રાજગરામાં પ્રોટીનનું સૌથી વધુ પ્રમાણ હોવાના કારણે વિદેશમાં લોકો તેની વધુ માગ કરતા હોય છે. ડીસામાં થતા રાજગરામાંથી આકાશમાં ઉડતા વિમાનના સ્પેરપાર્ટમાં ઓઇલિંગનો ઉપયોગ થાય છે તે આ રાજગરામાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ડીસાના રાજગરાનો ઉપયોગ દેશ અને વિદેશમાં ઉડતા વિમાનમાં મુસાફરો મુસાફરી કરે છે. તેમને વિમાનમાં નાસ્તો આપવામાં આવે છે. તેમાં બનતી વસ્તુઓમાં પણ થાય છે. આ ઉપરાંત મેડિસિનમાં પણ આ રાજગરાનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે હાર્ટનું ઇન્જેક્શન બને છે, તે ઇન્જેક્શનમાં સૌથી વધુ રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મેડિસિનમાં પણ રાજગરાની માગમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ તમામ બાબતોને લઈ હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં રાજગરાની આવક થઈ રહી છે. જેના કારણે હાલ સતત જે પ્રમાણે બહારના દેશોમાં અને ભારત દેશમાં જે પ્રમાણે રાજગરાનો ઉપયોગ વધી રહ્યો છે, તેને લઈ ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની સતત માગમાં વધારો થઈ રહ્યો છે. ડીસા પંથકમાં થતા રાજગરાનો દાણો મોટો હોવાથી તેની માગ દેશ-વિદેશમાં પણ વધી રહી છે. જેથી અન્ય માર્કેટ યાર્ડમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટ યાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે.
ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન રાજગરાની 83 હજારથી વધુ બોરી નોંધાઈ હતી. દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માગ ખૂબ જ વધી રહી છે. અત્યારે ડીસા પંથકમાં ખેડૂતો નવા રાજગરાના પાકને ડીસા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. ડીસા માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં 1600 બોરી રાજગરાની નોંધાઈ રહી છે. આ વર્ષે ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં રાજગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરાના પાકમાં સાઈઝનો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે દિશા માર્કેટ યાર્ડમાં અત્યારે રાજગરો લઈને આવી રહેલા ખેડૂતોને ગત વર્ષ કરતાં 350 રૂપિયા ભાવ ઓછો મળી રહ્યો છે. અત્યારે 20 કિલોના ભાવની વાત કરવામાં આવે તો 1100થી 1200 રૂપિયાના ભાવ ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે. તે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 350 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ખેડૂતો મોટા પ્રમાણમાં નવા રાજગરાના પાકને વેચાણ કરવા માટે ડીસા માર્કેટમાં આવી રહ્યા છે. તેમને ઓછો ભાવ મળતા નારાજગી જોવા મળી રહી છે.
ડીસા પંથકનો રાજગરો ડીસા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જેના કારણે ડીસાનો રાજગરાની માગ દર વર્ષે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં રહેતી હોય છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા અને ડીસા પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી રાજગરાનું વાવેતર કર્યું હતું. તેમને આશા હતી કે, ખેડૂતોને સારો ભાવ મળશે. ગત વર્ષે ખેડૂતોને 1300થી માંડી 1600 રૂપિયા જેટલો ભાવ રાજગરાનો મળ્યો હતો. પરંતુ અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં ડીસા માર્કેટ યાર્ડ ખાતે રાજગરો લઈને આવી રહ્યા છે. માર્કેટમાં અત્યારે રાજગરાનો ભાવ 1100થી 1200 રૂપિયા જેટલો થઈ જતા ખેડૂતોને 350 જેટલો ભાવ ઓછો મળી રહ્યો છે. તેના કારણે ખેડૂતોને આ વર્ષે રાજગરામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.