December 29, 2024

ખેતરોમાં વીજ થાંભલા નાંખવા મામલે ઘર્ષણ, એક ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની હેવી લાઇનને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેટકો કંપની ખેડૂતોને વળતર આપતી નથી. જેને લઈને ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. આ મામલે ખેડૂતો અને જેટકો કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં એક ખેડૂતે જંતુનાશક દવા ગટગટાવી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક ખેડૂતને ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ સમગ્ર મામલે ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને કલેકટરને રજૂઆત કરી છે.

બનાસકાંઠાના ડીસાના ડાવસ ગામના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે અને કહ્યું છે કે, જેટકો કંપની પોલીસનું બળ વાપરે છે. ખેડૂતોનો હક છે તે હક જેટકો કંપની આપવાની ના પાડે છે. ખેડૂતોના ખેતરમાંથી જેટકો કંપનીની પસાર થઈ રહી છે અને તેના થાંભલા જેટકો કંપની ખેડૂતોના ખેતરમાં નાખી રહી છે. પરંતુ ખેડૂતોને આ થાંભલા નાખવાનું વળતર ચૂકવતી નથી. તેને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો, 9 લોકો સંપર્કવિહોણા

અંદાજે 25 જેટલા ખેડૂતોના ખેતરમાંથી આ વીજલાઇન પસાર થાય છે. ખેડૂતોની માંગ છે કે, તેનું વળતર જેટકો કંપનીએ આપવું જોઈએ. પરંતુ વળતર ના આપતા ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. જેમાં જેટકો કંપનીએ પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું અને પોલીસ પ્રોટેક્શન સાથે વીજ થાંભલા નાંખવા ગઈ હતી. જ્યાં ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં એક પીડિત ખેડૂતે જંતુનાશક દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, તે બાદ પોલીસ પ્રોટેક્શન વચ્ચે જેટકો કંપની કામ કરી રહી છે, જ્યારે ખેડૂતોનો વિરોધ છે. જો ખેડૂતોને અન્યાય થશે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.