December 27, 2024

બનાસકાંઠામાં રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો, મધ્યાહ્ન ભોજનમાં જીવાત-જીવડાં!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં અનેક સવાલ ઉઠ્યા છે. ખાસ કરીને મધ્યાહ્ન ભોજનમાં અનાજ આવતું હોય છે, તેમાં ઈયળ અને જીવાત મોટા પ્રમાણમાં નીકળી રહી છે. જો કે, ન્યૂઝ કેપિટલની ટીમે મધ્યાહ્ન ભોજન રિયાલિટી ચેક કરી હતી તો તેમાં કંઈક નવું જ બહાર આવ્યું હતું. જ્યાં બાળકો માટે મધ્યાહ્ન ભોજનનું જમવાનું તૈયાર થાય છે, ત્યાં નથી તો સ્વચ્છતા અને વરસાદી પાણી તરબોળ રહે છે. તો અનેક જગ્યાઓએ મધ્યાહ્ન ભોજન યોજનામાં માલને સંચાલકો ઘરભેગું કરતા હોય તેવી આશંકા છે.

દાંતાની પ્રાથમિક શાળા, ધાનેરા પ્રાથમિક શાળા અને ત્યારબાદ હવે વડગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ મધ્યાહ્ન ભોજનના અનાજમાં જીવાત અને ઇયળ જોવા મળી છે. ઘણાં સમયથી આ પ્રકારે અનાજમાં ઇયળો આવવાની ઘટનાઓ સામે આવી છે. જેને લઈને ન્યૂઝ કેપિટલની ટીમે મધ્યાહ્ન ભોજન યોજનાની રિયાલિટી ચેક કરી તો વડગામ તાલુકાના ભરોડ ગામે જ્યાં મધ્યાહ્ન ભોજન યોજનાની ઓરડી છે, તેને નથી તો બારી કે નથી. તો બારણાંની ચારેતરફ ઘાસ ઉગી ગયું છે અને વરસાદી પાણી સતત મધ્યાહ્ન ભોજન કક્ષમાં પડે છે. ત્યારે સવાલ એ થાય કે નાના બાળકો અહીંયા જમવા આવે છે અને આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તેનું જવાબદાર કોણ?

વડગામ તાલુકાના પરખડી ગામે મધ્યાહ્ન ભોજન યોજનાના અનાજમાં જીવાત અને ઇયળ જોવા મળી હતી. આ ઉપરાંત બાળકોને પીરસવામાં આવતા ભોજનમાં પણ જીવાત અને ઇયળ જોવા મળી છે. ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કરી તો આ દૃશ્યો સામે આવ્યા હતા.

પ્રાથમિક શાળાના આચાર્ય મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક અને મામલતદાર પણ કબૂલે છે કે, આ પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતા મધ્યાહ્ન ભોજન યોજનામાં અનાજ સડેલું અને તેમાં જીવાત હોય છે.વારંવાર રજૂઆત કરી છે પરંતુ એકનો એક માલ તેઓ પરત આપે છે.એટલે કે સૌથી મોટી બેદરકારી પુરવઠા વિભાગની છે કે જે બાળકોને બિનઆરોગ્યપ્રદ અનાજ આપી રહ્યા છે.ત્યારે ક્યાંકને ક્યાંક મધ્યાહ્ન ભોજન યોજનાની સંચાલિકાઓ પણ શંકાના દાયરામાં આવે છે અને બાળકો માટેના અનાજ ઘર ભેગું થતું હોય તેવી પણ આશંકાઓ છે.જો કે, અત્યારે તો ઇયળ અને જીવાતને લઈને મધ્યાહ્ન ભોજન યોજના વિવાદમાં આવી છે. ત્યારે સંચાલક આચાર્ય અને મામલતદાર આ તમામ જવાબદારીમાં બચાવ કરી રહ્યા છે અને ઢાંકપિછોડો કરી રહ્યા છે.