January 8, 2025

જીવના જોખમે શાળાએ જવા મજબૂર વિદ્યાર્થીઓ, ભારે વરસાદથી રસ્તો ડૂબ્યો

વિક્રમ સરગરા, બનાસકાંઠાઃ દાંતા તાલુકામાં અંબાજી નજીક આવેલી સરહદ છાપરી પ્રાથમિક શાળામાં બાળકો વહેતા પાણીમાં જીવના જોખમે સ્કૂલ જવા મજબૂર બન્યા છે. ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો છે અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગુજરાત અને રાજસ્થાનના સરહદ છાપરી પર આવેલી સરહદ છાપરી પ્રાથમિક શાળામાં 1થી 5 ધોરણના બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં 50 જેટલા બાળકો વહેતા પાણીમાં થઈ સ્કૂલ જવા મજબૂર બન્યા હજી તો વરસાદની શરૂઆત છે. ઉપરવાસમાં વધુ પડતો વરસાદ થવાના કારણે સહરદ છાપરી પાસે આવેલી પ્રાથમિક શાળામાં જવા મુખ્ય માર્ગ પરથી જવું પડે છે અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને લઈને ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો આ રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ભારે વરસાદ પડે તો સ્કૂલમાં ભણતા બાળકો સ્કૂલ ન જઈ શકે અને જો સ્કૂલ જાય તો વહેતા પાણીમાં તણાવવાનો પણ ભય હોય છે.

ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ શાળાની મુલાકાત લઈ વધુ પાણી આવે તે પહેલાં પાળ બાંધી ઉચ્ચ વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ન થાય. શાળામાં 50થી વધુ બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ નાના નાના બાળકો માટે તંત્ર કોઈ સારી વ્યવસ્થા કરી આપે તેવી વાલીઓ પણ માગ કરી રહ્યા છે.

દાંતા તાલુકામાં વધુ વરસાદ પડવાના કારણે નદી નાળાઓમાં નવા આવ્યા છે. આ માટે શાળાનો સ્કૂલ જતો એકમાત્ર રોડ પણ ભારે વરસાદના લીધે તૂટી ગયો છે. પાણી આવવાના કારણે પાણીમાં સમાઈ જાય છે. બાળકોને અભ્યાસ કરવા માટે વહેતા પાણી વટાવીને શાળાએ જવું પડે છે. જેના કારણે સ્કૂલમાં આવતા બાળકોની સંખ્યા પણ ઘટી છે અને શાળાની અમે મુલાકાત લીધી છે. ત્યારે માત્ર 16 બાળકો શાળાએ અભ્યાસ કરવા પહોંચી શક્યા હતા.

શાળામાં હાજર શિક્ષિકોએ કેમેરા આગળ બોલવાની ના પાડી હતી. તેમને જણાવ્યું હતું કે, અગાઉ અમે લેખિત રજૂઆત કરી છે છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે કેડ સમા પાણી ભરાઈ જાય છે. ભારે વરસાદને કારણે સ્કૂલમાં અભ્યાસ કરવા બાળકો આવી શકતા નથી કાં તો તેમને ડુંગરો વટાવીને સ્કૂલે આવવું પડે છે. જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે અને બાળકોનો જીવ પણ જોખમે મૂકાય છે.

વરસાદ થાય તો સ્કૂલના મુખ્ય માર્ગ પર કેડ સમા પાણી વહેતા થાય છે. કેટલાય વર્ષોથી આમ જ શાળાના બાળકો આ સ્કૂલમાં ભણવા જતા હોય છે. પ્રાથમિક શાળા હોવાથી નાના બાળકો આ પાણીમાં ઘણીવાર પડી પણ જતા હોય છે. તે માટે તંત્ર દ્વારા કાં તો બ્રિજનું નિર્માણ કરવો જોઈએ અથવા તો અન્ય કોઈ માર્ગની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી બાળકોના અભ્યાસ ઉપર પાણી કે વરસાદ વિઘ્ન ના બની શકે અને બાળકો નિર્વિઘ્ને અભ્યાસ કરી શકે માટે રાજ્ય સરકાર દ્વારા આ સહરદ છાપરી પર આવેલી પ્રાથમિક શાળામાં ઉચ્ચ વ્યવસ્થા બાળકો માટે કરે તેવી શાળા ના શિક્ષકો અને વાલીઓની માગ છે.