December 23, 2024

ન્યૂઝ કેપિટલ Impact: બનાસકાંઠા કલેક્ટરે મધ્યાહ્ન ભોજન મામલે તપાસના આદેશ આપ્યાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં થોડા દિવસ અગાઉ અંતરિયાળ વિસ્તારમાં મધ્યાહ્ન ભોજનમાં આપતા ભોજનમાં જીવાત નીકળી હતી. જેને લઇને ન્યૂઝ કેપિટલની ટીમએ રિયાલિટી ચેક કર્યું હતું અને તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

રિયાલિટી ચેક દરમિયાન મધ્યાહ્ન ભોજનમાં અપાતા ખોરાક ચણા, દાળ, ઘઉં કે ચોખા જેવા કઠોળમાં જીવાત જોવા મળી હતી. આ દૃશ્યો જોઈને તંત્ર ઊંઘમાંથી ઊઠીને દોડતું થયું છે.

ન્યૂઝ કેપિટલની ટીમના રિયાલિટી ચેકમાં બતાવવામાં આવ્યું હતું કે, મધ્યાહ્ન ભોજનમાં સડેલી દાળ અને ગુણવત્તાવિહીન ભોજન બાળકોને પીરસવામાં આવતું હતું. તે સામે આવ્યા બાદ તંત્ર સામે ન્યૂઝ કેપિટલે સવાલ ઉઠાવ્યા હતા.

જનહિતમાં અને બાળકોના આરોગ્યના હિતમાં ન્યૂઝ કેપિટલે ગઈકાલે ધારદાર અહેવાલ રજૂ કર્યો હતો અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અહેવાલ બાદ બનાસકાંઠા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. વડગામ તાલુકા મામલતદારની ટિમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.