મહેસાણી ભેંસ આપે છે 28 લીટર દૂધ, બનાસ ડેરીએ પશુપાલનનું સન્માન કર્યું
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુરના પશુપાલકની મહેસાણી ભેંસે બનાસકાંઠામાં કાઠું કાઢ્યું છે. પશુપાલકની મહેસાણી ભેંસ 24 કિલોગ્રામ એટલે કે 28 લીટર દૂધ આપે છે. તેનાથી પશુપાલકને દરરોજની 1500 રૂપિયા જેવી આવક થાય છે. ઉમીબેન ચૌધરી નામની મહિલાએ આ ભેંસ ખરીદી કરી હતી અને તેની ચાકરી કરી દીકરાની જેમ માવજત કરી હતી. આ મહિલાનું બનાસ ડેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને 30 હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.
તેમનો પરિવાર પશુપાલક પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પતિ નાનજીભાઈ ચૌધરી પણ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ત્યાં કુલ 13 જેટલા પશુ છે. તેમાંથી કોઈ પશુ 10 તો કોઈ પશુ 12 લીટર જેટલું દૂધ આપે છે. પોતાના ખેતરમાં પશુઓ માટે ઘાસચારો ઉગાડી અને સારી ક્વોલિટીનો દાણ મળે, સારી ક્વોલિટીનો ઘાસચારો મળી રહે છે. નાનજીભાઈ ચૌધરી અને તેમનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે. ત્યારે ખાસ મહત્વની બાબત એ જોવા મળી કે, પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં તેમનો પહેરવેશ સફેદ છે અને આ પહેરવેશ પર તેમને ડાઘ પણ પડવા દીધો નથી.
લક્ષ્મીપુરા દૂધ મંડળીમાં પશુપાલક ઉમીબેન ચૌધરી દૂધ ભરાવે છે અને રોજનું 100 લીટર જેટલું દૂધ ભરાવે છે. દરરોજ પાંચ હજાર રૂપિયા જેટલું દૂધ ભરાવતા પશુપાલક લક્ષીપુરા દૂધ મંડળીનું નામ પણ રોશન કરી રહ્યા છે. બનાસ ડેરીએ ત્રણ દિવસ અગાઉ દૂધ દિવસની ઉજવણી કરી હતી. જેમાં 5000 જેટલી મહિલા પશુપાલકોની હાજરીમાં ઉમીબેન ચૌધરીનું સન્માન કર્યું હતું અને તેમને ઇનામ પણ આપ્યું હતું. ત્યારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા નાનજીભાઈ ચૌધરીનો પરિવાર દર માસે 1 લાખ રૂપિયા કમાઈ લે છે અને સ્વમાનભેર પોતાનું જીવન ગુજારે છે.