January 22, 2025

ન્યાયની આશા સાથે વકીલ પાસે પહોંચેલી યુવતી સાથે દુષ્કર્મ, આરોપીની અટકાયત

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં દુષ્કર્મનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા ન્યાય મેળવવા કાનૂની સલાહ લેવા માટે આ યુવતી પાલનપુરના એક વકીલ પાસે પહોંચી અને કાયદાકીય સલાહ મેળવી હતી. તે બાદ વકીલે જ યુવતીને તેની પાસેથી ફી ન લેવાનું કહી તેને ગોંધી રાખી અને હનીટ્રેપ માટે એક વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું હતું. જો કે પીડિત યુવતીએ વાત ન કરતા અન્ય એક શખ્સ આવ્યો અને આ શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે, પીડિત યુવતી આ વકીલ અને તેના સાગરીતોની ચુંગાલમાંથી મુક્ત થઈ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અફઝલ ઘાસુરા (ઉર્ફે લાલો માલણ ) વકીલ ઈદ્રીશ પઠાણ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય રીતે કાયદાકીય બાબતોમાં અસીલોને ન્યાય અપાવવાનું કામ એ વકીલોનું હોય છે. પરંતુ આ વકીલ જ કાયદો ભૂલી અસીલને કાયદાનો ભોગ બનાવી દે તો. જી હાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતી કે જેને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી. જો કે આ પીડિત યુવતી તેના બોયફ્રેન્ડની તકરારનું નિવારણ લાવવા પાલનપુરના એક વકીલ પાસે પહોંચી અને આ વકીલ પાસેથી કાનૂની સલાહ લીધી હતી.

વકીલે યુવતીને કાનૂની સલાહ તો આપી પરંતુ તે બાદ યુવતીના આક્ષેપો અનુસાર યુવતીએ વકીલને નારી કેન્દ્રમાં જવાનું કહ્યું હતું. પરંતુ વકીલ યુવતીને તેમના ઓફિસની મહિલા કર્મચારી સાથે દાંતા લઈ ગયો હતો અને દાંતા એક મકાનમાં લઈ જઈ ત્યાં વકીલની મહિલા કર્મચારી ફોન પર વાત કરતા કરતા બહાર નીકળી ગઈ હતી. તે જ સમયે જાવેદ મકરાણી નામનો શખ્સ યુવતી પાસે આવ્યો અને યુવતીને અડપલાં કરવા લાગ્યો હતો. યુવતીએ અવાજ કરતા વકીલના મહિલા કર્મચારી ઘરમાં પહોંચ્યા અને યુવતીને કહ્યું કે, તું શરીફ નથી. તેમ કહી યુવતીને દબાવવા કોશિશ કરી હતી. જો કે, યુવતીએ દાંતામાં રાત તો ગુજારી પરંતુ બીજે દિવસે જાવેદ મકરાણી ઇકો કાર લઇને પહોંચ્યો અને યુવતીને દાંતાથી પાલનપુર વકીલ ઈદ્રીસ પઠાણની ઓફિસ લઇને પહોંચ્યો હતો.

યુવતી ઓફિસ પહોંચતા જ વકીલે યુવતી પાસે ફીની માંગણી કરી પરંતુ યુવતી પાસે ફી ન હોવાથી વકીલે યુવતીને એક ઓફર આપી કે, તારે મારું એક કામ કરવાનું હું તને નંબર આપું એ નંબર પર ફોન કરવાનો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જેમ વાત કરવાની અને તે બાદ યુવકને મળવા બોલાવી તેના ફોટા અને વીડિયો ઉતારી અમને આપવાના હું તારો કેસ મફત લડી આપીશ. જો કે, યુવતીને વકીલની આ વાતમાં શંકા જતા યુવતીએ આ કૃત્ય કરવાની ના કહી દીધી અને આ યુવતી વકીલ પાસે પોતાના ડોક્યુમેન્ટ સહિતના પેપરો પરત માંગ્યા હતા. તો વકીલે યુવતીને પેપર લેવા પોતાના ઓફિસની અન્ય એક મહિલા કર્મચારીના ઘરે મોકલી દીધી.

યુવતી પોતાના ડોક્યુમેન્ટ અને અરજીઓ લેવા મહિલા કર્મચારીના ઘરે તો પહોંચી પરંતુ આ મહિલા કર્મચારીએ યુવતીને ઘરમાં જ ગોંધી દીધી અને ત્યાં વકીલનો સાગરીત યુવતીને વીડિયો કોલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરવા દબાણ કર્યું. પરંતુ યુવતીને હની ટ્રેપની આશંકા ગઈ તો યુવતીએ વાત ન કરી પરંતુ બીજે દિવસે રાત્રિના સમયે અફઝલખાન ઘાસુરા (ઉર્ફે લાલો માલણ) આ મહિલા કર્મચારીના ઘરે પહોંચ્યો અને ત્યાં ગોંધી રાખેલી પીડિત યુવતીને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારી દીધું હતું. જો કે, ન્યાયની આશા સાથે પહોંચેલી યુવતીને તેના બોયફ્રેન્ડની તકરારમાંથી ન્યાય મળવો તો દૂર પરંતુ દુષ્કર્મનો ભોગ બનાવી દેતા યુવતી વકીલ સહિત તેના સાગરીતોની ચુંગલમાંથી મુક્ત થઈ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી હતી.

યુવતીએ તેની સાથે દુષ્કર્મ ગુજારનારા અફઝલ ખાન ઘાસુરા (ઉર્ફે લાલો માલણ), વકીલ ઈદ્રીશ પઠાણ અને તેનું ઓફિસના મહિલાકર્મી સંગીતા સોલંકી, જાવેદ મકરાણી સહિત ઘરમાં ગોંધી રાખનારી મહિલાકર્મી અમિતા ગૌસ્વામી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ પાંચેય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી દુષ્કર્મ ગુજારનાર અફઝલ ખાન ઘાસુરા (ઉર્ફે લાલો માલણ)ની અટકાયત કરી છે અને ફરાર વકીલ ઈદ્રીસ પઠાણ સહિત તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.