January 1, 2025

થર્ટી ફર્સ્ટને લઈને અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ, 90 નબીરાઓ ઝડપાયાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ રાજ્યના છેવાડાનો બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય સહિત આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો જિલ્લો છે. આ જિલ્લો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. જેથી અનેક વખત બનાસકાંઠાની આંતરરાજ્યની બોર્ડરમાંથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઝડપાતી હોય છે.

તેમાંય બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ અતિસંવેદનશીલ ચેકપોસ્ટ છે. આ ચેકપોસ્ટ પરથી અનેક વખત દારૂ સહિતના કેફી પદાર્થોની ગુજરાતમાં ઘુસણખોરી ઝડપાઈ ચૂકી છે. ત્યારે તાજેતરમાં 31st આવી રહી છે અને આ થર્ટી ફર્સ્ટ દરમિયાન આંતરરાજ્યમાંથી ગુજરાતમાં કોઈપણ જાતના દારૂ કે કેફી પદાર્થ અથવા કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓની ઘુસણખોરી ન થાય તેને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં છે.

આ મામલે ન્યૂઝ કેપિટલની ટીમ ચેકપોસ્ટ પર રિયાલિટી ચેક કરવા પહોંચી હતી તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, 31st લઈને અમીરગઢ ચેક પોસ્ટે 90 જેટલા નશો કરતા શખ્સો અને લાખો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ જવાનો દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર 24 કલાક રાઉન્ડ ક્લોક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી રહેલા તમામ વાહનો ઉપર પોલીસ બાજ નજર રાખી બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનેલાઇઝર દ્વારા વાહનો સહિત વાહનચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.