યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ તરફથી અંબાજી જતા પદયાત્રિકો માટે અનોખો કેમ્પ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ભાદરવી પૂનમના પદયાત્રીઓ-માઇભકતો માટે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ પરિવાર તરફથી તારંગા ખાતે પ્રસાદ, મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ, આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, ક્ષત્રિય યુવા સેના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડ તથા સંતો મહંતો હાજર રહ્યા હતા.
ભાદરવી પૂનમ એટલે જગત જનની મા જગદંબાનો મહામેળો અને આસ્થાનો મહાકુંભ. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઇભક્તો મહામેળામાં પગપાળા સંઘો લઈને અંબાજી જઈ રહ્યા છે. વિસનગરથી અંબાજીના માર્ગો પર ‘બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષ ગુંજી રહ્યા છે. ત્યારે છેલ્લા 13 વર્ષથી ક્ષત્રિય યુવા પ્રદેશ સંગઠન દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે તારંગા સ્ટેશન નજીક એક મેઘ સેવા કેમ્પ કે જેમાં મા અંબાના દર્શનાર્થે જતા તમામ પદયાત્રીઓ માટે યુવા ક્ષત્રિય સેના પરિવારના કર્મઠ સૈનિકો, હોદ્દેદારો દ્વારા 24 કલાક પ્રસાદ, આરામ, મેડિકલ સેવા, રાત્રી રોકાણ તેમજ નામાંકિત કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, તેમજ અન્નપૂર્ણા આશ્રમ શંકરપુરી બાપુ, માણેકનાથ ધામ શ્રવણભારતી બાપુ, પ્રવિણ રામ મહારાજ, અમરભારતી બાપુ કમાણા જેવા સંતો-મહંતોના હસ્તે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખાસ ઉપસ્થિત રહી અંબાજી પદયાત્રિકો માટે મા અંબા તેમની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ જણાવ્યું હતું કે, અહી પદયાત્રિકોને કોઈ તકલીફ ન પડે એ માટે તેઓ સતત હાજર રહી વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. પાટણના સાંસદ ભરત ડાભીએ તમામ પદયાત્રિકો તથા સેવા કરનારા દરેકને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. અહીં ઉપસ્થિત સંતો મહંતોએ પણ આ સેવા કાર્ય માટે ખાસ આશીર્વાદ આપ્યા હતા.
યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અભિજિત સિંહ બારડે અંબાજી જતા પદયાત્રિકોની મનોકામના પૂર્ણ થાય તેમજ ગુજરાતમાં સુખાકારી, સદભાવના, કોમી એકતા અને ભાઈચારો સદાયને માટે ટકી રહે તે માટે મા અંબાને અંતઃકરણથી પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી હતી. આ સેવા કેમ્પમાં અન્નપૂર્ણા આશ્રમ શંકરપુરી બાપુ, માણેકનાથ ધામ શ્રવણભારતી બાપુ, પ્રવિણ રામ મહારાજ, અમરભારતી બાપુ કમાણા જેવા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.