December 22, 2024

નકલી જજ બાદ નકલી સચિવ ઝડપાતા ખળભળાટ, શિક્ષક બ્રિજેશ પરમારને કરાયા સસ્પેન્ડ

Banaskantha: અમદાવાદમાં નકલી કોર્ટ ઊભી કરીને બોગસ જજ બની છેતરપિંડી આચરનારા આરોપીનો કેસ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. ત્યારે હવે નકલી જજ બાદ વડગામમાં નકલી સચિવ સામે આવ્યો હોવાના સમાચાર છે. શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી અને શિક્ષકને બદલીને ઓર્ડર આપી દીધો હોવાની ઘટના સામે આવતા ફરી એક વખત ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં નકલીઓની ભરમાર નકલી જજ બાદ વડગામમાં નકલી સચિવ સામે આવ્યો છે. શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી અને શિક્ષકને બદલીને ઓર્ડર આપી દીધો હતો. વડગામની મજાદર પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકે હુકમ બનાવ્યો હતો. થરાદ તાલુકાની ડુવા પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકને નકલી ઓર્ડર આપ્યો હતો.

સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજેશ પરમાર નામના વ્યક્તિએ નકલી શિક્ષણ વિભાગના સચિવનો હુકમ બનાવ્યો હતો અને થરાદ તાલુકાની ડુવા પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકને નકલી ઓર્ડર આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, તાત્કાલિક અસરથી શિક્ષણ અધિકારીએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. તેમજ બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કર્યો છે. આ સિવાય પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ અમદાવાદમાં નકલી કોર્ટ ઊભી કરીને બોગસ જજ બની છેતરપિંડી આચરનારા આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ કોર્ટમાં પોલીસે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, આરોપી મોરિસે કોર્ટમાં પોલીસ સામે જ માર માર્યાની ફરિયાદ કરી હતી. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ બાદ તપાસમાં તેના એક પછી એક મસમોટા કૌભાંડ સામે આવ્યા છે.