December 22, 2024

ધાનેરામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા પાસે પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. વરસાદને કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સામન્ય વરસાદમાં પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી છે.

ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા ધાનેરાના હાલ બેહાલ થયા છે. ધાનેરાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો ડીસા રોડ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકા, હિંગળાજ નગર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધાનેરામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

ભરૂચમાં પણ ધોધમાર વરસાદ
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મોડી રાતથી અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના વાલીયામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.