બનાસ ડેરી દ્વારા બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ, પદયાત્રીઓને મળશે અનેક સુવિધાઓ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: જગતજનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. ત્યારે, અંબાજી જતા પગપાળા ભક્તોને મેડિકલની તમામ સુવિધાઓ મળી રહે તે માટે બનાસડેરી તેમજ બનાસ મેડિકલ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા દાંતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પ વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સેવા કેમ્પમાં આરોગ્યની તમામ અદ્યતન સુવિધાઓ પગપાળા અંબાજી જતા ભક્તોને મળી રહે તે માટે આ સેવા કેમ્પમાં મીની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના કેન્દ્ર સમા માં અંબાના ધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઈ છે. ત્યારે, લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા પગપાળા અંબાજી જઈ રહ્યા છે. ભક્તોને કોઈપણ શારીરિક તકલીફ પડે કે તેવો બીમાર પડે તો તેમને ઉત્તમ સારવાર મળી રહે તે માટે દાંતા ખાતે બનાસડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા બનાસ મેડિકલ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ મેડિકલ કેમનો વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. જ્યાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા મેડિકલ કેમ્પમાં બીમાર પદયાત્રીઓ માટે તેમની સારવાર માટે તે માટે કેસ બારી, 4 ઓપીડી જેમાં જનરલ ઓપીડી, મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી, તેમજ જનરલ સર્જન ઓપીડીની સુવિધા સહિત 14 તબીબી પથારી, 5 ફિઝિયોથેરાપી પથારી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે.
તો પદયાત્રીઓ માટે 15 પથારી સાથે સજ્જ મલ્ટિપારા મોનિટર, ઇસીજી, પલ્સ ઓક્સિમીટર, તાપમાન ચકાસણી તેમજ હૃદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ, ઉચ્ચ એન્ટિબાયોટિક્સ, જીવન બચાવવાની કટોકટીની દવાઓ, તમામ લક્ષણોની દવાઓ, સીરપ, આંખના ટીપાં, ક્રીમ, વગેરે પાટો અને એન્ટિસેપ્ટિક સામગ્રીઓ સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયો છે.
તો આવશ્યક દવાઓ સાથે નેબ્યુલાઇઝર સાધનસામગ્રી, સ્ટીમ થેરાપી વગેરે સાથે સ્નાયુ રાહત ઉપચારની સુવિધાઓ સહિત મીની હોસ્પિટલ જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં, 12 ડોકટરો, નર્સો અને મેડિકલ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓ ખડેપડે રહી લોકોની સારવાર કરી રહ્યા છે.