January 18, 2025

દમણના દરિયા કિનારે જનારા લોકો પર 26 જૂનથી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ

દમણ: ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ કરવાનું શરૂ કરી દીધુ છે. આજે રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 33 તાલુકામાં મેઘ મહેર થઇ છે ત્યાં જ જેતપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આવામાં દમણનાં દરિયા કિનારે આવનારા લોકો પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે દમણના બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબવાના બનાવને લઈ આ નિર્ણય લીધો છે. અહીં પર્યટકો, સ્થાનિક લોકોને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યાં જ માછીમારી કરતા માછીમારોને પણ દરિયા કિનારે જવા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

આ અમલ 26 જૂનથી આગામી 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ અંતર્ગત દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરતા જણાશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અનંત અંબાણી પોતે સોના-ચાંદીથી બનેલી લગ્નની કંકોત્રી લઈને અક્ષય કુમારના ઘરે પહોંચ્યા

ઉલ્લેખનિય છે કે, રાજ્યના 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈ NDRFની ટીમો એલર્ટ મોડમાં આવી ગઈ છે. હાલમાં રાજ્યના 8 સ્થળે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આજે NDRF ની વધુ એક ટીમ અમરેલીમાં મોકલાઈ છે. અગાઉ ગીર સોમનાથ, દ્વારકામાં ટીમ મોકલાઈ હતી તેમજ ભાવનગર અને નર્મદામાં NDRF ટીમ મોકલાઈ હતી.