December 29, 2024

બાકરોલ ઓનર કિલિંગ: પ્રેમ લગ્ન કરવાની જીદ કરતી યુવતીને પરિવારે પતાવી નાંખી

મિહિર સોલંકી, અમદાવાદ: અમદાવાદના કણભામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં પ્રેમ લગ્ન કરવાની જીદ કરતી યુવતીને તેના જ પરિવારે બાધા કરવામાં બહાને બહારગામ લઈ જઇ મોતને ઘાટ ઉતારી દીધી છે. બદનામીના ડરથી પિતા સહિત કાકા અને પિતરાઈ ભાઈઓએ યુવતીને ગળેટુંપો આપીને પહેલા હત્યા કરી બાદમાં ડીઝલ નાખી સ્મશાનમાં લઈ જઈ અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. હાલમાં પોલીસે ઓનર કિલિંગ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓનર કિલિંગના આરોપમાં ચારેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે. પકડાયેલા ચારેય આરોપીઓ પૈકી આરોપી અરવિંદ સોલંકી મૃતક યુવતીના પિતા અને પોપટ સિંહ સોલંકી યુવતીના કાકા છે. જ્યારે ગજેન્દ્ર સોલંકી અને નટવર સોલંકી મૃતક યુવતીના ભાઈઓ હોવા છતાં પણ યુવતીનું ઓનર કિલિંગ કર્યાનો આરોપ લાગ્યો છે. ઘટના અંગે હકીકત એવી છે કે ગત 6 સપ્ટેમ્બરના રોજ બાકરોલ નજીક બીટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન બાકરોલ સ્મશાનમાંથી અજાણી વ્યક્તિનો પોલીસને સળગાવેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. જે અંગે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એક યુવતી છેલ્લા બે દિવસથી બાકરોલ ગામમાંથી ગુમ છે. જે સંદર્ભે પોલીસે 11 સપ્ટેમ્બરે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી ગુમ થનારની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતાં સામે આવ્યુ કે 19 વર્ષીય બાકરોલની રહેવાસી યુવતી માનસી ઉર્ફે હીના સોલંકી બે દિવસથી ગુમ હતી જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે ગુમ થનાર યુવતી માનસી ઉર્ફે હિના સોલંકીને લઈ પરિવારજનો અને ગ્રામજનોની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ હકીકત જાણવા મળી હતી કે યુવતી માનસી ઉર્ફે હિના સોલંકીને ગામના જ એક યુવક સાથે લગ્ન કરવાની જીદ હોવાથી યુવતીની હત્યા કરી લાશને બાકરોલ સ્માશનમાં સળગાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: હિંમતનગરના ગાંભોઈમાં હાથીના દર્શન કરવા જતા વૃદ્ધે રૂ. 30 લાખ ગુમાવ્યા

ઉલ્લેખની છે કે મૃતક 19 વર્ષીય યુવતી માનસી ઉર્ફે હીના સોલંકીને ગામના જ યુવક સાથે પ્રેમ સબંધ હોઈ પરિવારે જ હત્યાનો પ્લાન બનાવેલો. જેમાં યુવતીને પરિવારજનો વડોદરા નજીક અનગઢ મંદિરે દર્શન કરવાના બહાને હાલોલ નજીક લઈ જઈ ગળે ટુંપોહત્યા આપી હત્યા કરી બાદમાં બાકરોલ સ્મશાન લઈ જઈ ડીઝલ નાખી યુવતીને સળગાવી પરિવારજનોએ સળગાવી દીધી હતી.

હાલ પોલીસે મૃતકના પિતા-કાકા અને સહિત પિતરાઈ ભાઈઓ સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, પિતા અરવિંદસિંહ કન્સ્ટ્રકશનમાં કોન્ટ્રાક્ટર અને કાકા ગજેન્દ્રસિંહ ડેપ્યુટી સરપંચ છે. જોકે પ્રેમી યુવકના પિતા સરપંચ હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં મૃતક માનસી ઉર્ફે હીના બે વખત ઘરેથી ભાગી ગઈ હતી. જેને લઇ ગામમાં બદનામ થવાના ડરથી પિતા અને પિતરાઈ ભાઈએ પોતાની જ દીકરીને મોતની ઘાટ ઉતારી હતી. હાલ ઘટનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ સંયોગીક પુરાવા એકત્ર કરી ધરપકડ કરશે.