બદલાપુર યૌન શોષણ કેસ: આરોપી વિરુદ્ધ બળાત્કારના પ્રયાસનો કેસ દાખલ કરવા સીએમ શિંદેનો પોલીસ આદેશ
બદલાપુર યૌન શોષણ: મહારાષ્ટ્રના થાણે સ્થિત બદલાપુરની એક શાળામાં વિદ્યાર્થિનીઓની કથિત જાતીય સતામણી મામલે મોટી બબાલ શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું. ઘણા લોકોએ લોકલ ટ્રેનો પણ રોકી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ મોટા પ્રમાણમાં લોકોને સાથે લઈને સ્કૂલનો ઘેરાવ કર્યો હતો અને પ્રદર્શન કર્યું હતું.
ત્યારે હવે આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે જણાવ્યું હતું કે તેમણે પોલીસને થાણે જિલ્લાના બદલાપુરની એક શાળામાં બે વિદ્યાર્થીનીઓ પર જાતીય શોષણ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓ સામે બળાત્કારના પ્રયાસનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ કેસની તપાસ ઝડપથી કરવામાં આવશે અને વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘મેં થાણેના પોલીસ કમિશનર સાથે વાત કરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મેં આ મામલાની ઝડપથી તપાસ કરવા અને આરોપીઓ સામે બળાત્કારના પ્રયાસ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ કેસ દાખલ કરવા કહ્યું છે.
તપાસના આદેશ
બદલાપુરની શાળાઓમાં ભણતા બાળકોના સેંકડો વાલીઓ યૌન શોષણની ઘટનાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવા માટે મંગળવારે સવારથી બદલાપુર રેલવે સ્ટેશન પર ‘રેલ રોકો’ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધને કારણે ઉપનગરીય ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. સીએમ શિંદેએ વાલીઓને ધીરજ રાખવા અપીલ કરી છે કારણ કે રેલ અવરોધને કારણે લોકલ ટ્રેનોનું સંચાલન ખોરવાઈ રહ્યું છે. થાણે જિલ્લાના પાલક મંત્રી શંભુરાજ દેસાઈએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમણે થાણે જિલ્લા કલેક્ટરને આ મામલે તપાસ કરવા કહ્યું છે. બે તપાસ હાથ ધરવામાં આવશે – એક શિક્ષણ વિભાગ દ્વારા અને બીજી પ્રાદેશિક નાયબ પોલીસ કમિશનર દ્વારા, તે જાણવા માટે કે માતાપિતાના આક્ષેપ મુજબ ગુનો નોંધવામાં શા માટે વિલંબ થયો.’
સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરાયા
સ્કૂલ શિક્ષણ મંત્રી દીપક કેસરકરે જણાવ્યું હતું કે એક પોલીસ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. કારણ કે માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યાના 12 કલાક પછી પણ કોઈ નોંધ લેવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે શાળાને નોટિસ પણ મોકલવામાં આવી છે અને તેના આચાર્ય અને એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેસરકરે કહ્યું કે તેમણે શાળાઓમાં વિશાખા સમિતિઓ બનાવવાનો આદેશ આપ્યો છે.