November 15, 2024

બદલાપુર રેપ કેસના આરોપી અક્ષય શિંદેનું મોત, પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો

Badlapur Rape Case: મહારાષ્ટ્રના બદલાપુર યૌન શોષણ કેસના મુખ્ય આરોપી અક્ષય શિંદેએ સોમવારે(23 સપ્ટેમ્બર) પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ જતી વખતે શિંદેએ આ ઘટનાને અંજામ આપ્યો. તેણે પોલીસની રિવોલ્વર છીનવી લીધી અને ગોળી ચલાવી. તેને રોકવાનો પ્રયાસ કરતા એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. માહિતી અનુસાર આરોપી અક્ષય શિંદેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું છે. અક્ષયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

હકિકતે, જ્યારે અક્ષય શિંદેને અન્ય એક કેસમાં ધરપકડ કર્યા બાદ તલોજા જેલમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે કારમાં બેઠેલા પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી અને પોલીસકર્મી પર ગોળીબાર કર્યો. આ સિવાય આરોપી શિંદેએ વધુ બે ગોળીઓ ચલાવી જે કોઈને વાગી ન હતી. આ પછી અન્ય એક પોલીસકર્મીએ સ્વબચાવમાં બંદૂક કાઢી અને અક્ષય શિંદે પર ફાયરિંગ કર્યું.

નોંધનીય છે કે, 12 અને 13 ઓગસ્ટે મુંબઈના બદલાપુરમાં એક સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અક્ષય શિંદે પર બે સગીર છોકરીઓની યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો. પીડિતાએ આ અંગે તેના માતા-પિતાને જણાવ્યું. ત્યારે જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેને લઇને ખૂબજ હોબાળો થયો હતો. પ્રદર્શનકારીઓએ લગભગ 10 કલાક સુધી રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે 17 ઓગસ્ટના રોજ અક્ષય શિંદેની યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. SIT આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.