May 20, 2024

મહીસાગર નદીને દૂષિત કરી રહ્યા છે વણાકબોરી પાવર સ્ટેશનના સત્તાધીશો

યોગીન દરજી, ખેડા: ગુજરાતની દરેક નદીઓને પવિત્ર ગણવામાં આવે છે. જેમાં મહીસાગર નદીનું પણ સ્થાન અલગ છે. મહીસાગર નદી એક આસ્થાનું કેન્દ્ર છે. આ નદીમાં લોકો સ્નાન કરી પોતાની બાધા માનતા પૂરી કરતા હોય છે. આ નદીનું પવિત્ર પાણી ખેડૂતો સિંચાઈ માટે પણ ઉપયોગ કરતા હોય છે અને નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં મહીસાગર માતાનું પાણી પીવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાકબોરી પાવર સ્ટેશનના સત્તાધીશો દૂષિત કરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

ન્યૂઝ કેપિટલના રિપોર્ટર દ્વારા નદીમાં ઉતરી આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. જ્યાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર 1માંથી લીકેજ થતાં ક્રુડ ઓઇલને કારણે આ નદીનું પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. પાવર સ્ટેશનના આ અધિકારીઓની બેદરકારીને કારણે પવિત્ર મહીસાગર નદીમાં આ દ્રશ્યો સર્જાયા છે. આ સમગ્ર બાબતને લઈ મહીસાગર માતાની હાલત તમે જોઈ શકો છો.


મહીસાગર નદીમાં આ ક્રુડ ઓઇલ ફોડવામાં આવતા નદીમાં ઓઇલના થર જામી ગયેલા જોવા મળ્યા. આસપાસના રહીશો અવારનવાર માતાને પ્રદૂષિત કરતા આ થર્મલ પાવર સ્ટેશનના અધિકારી સામે રોષે ભરાયા છે અને માંગ કરી રહ્યા છે કે પવિત્ર ગણાતી અમારી આ માતાને દૂષિત કરનાર પાપીઓ સામે જો કોઈ પગલા નહીં લેવાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે પણ જણાવ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ પવિત્ર માતાને દૂષિત કરનાર પાપીઓ સામે તંત્ર કેવા પગલાં ભરે છે.