સુરતમાં છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડોક્ટર પર હુમલો

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને ફ્લોરલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર પ્રતીક માવાણીને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાજમાં બદનામ કરવાના ઇરાદેથી કેટલાક ઈસમો દ્વારા એક યુવતીનો સહારો લઈને 20 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ડોક્ટરે પૈસા આપવાની ના પાડતા ડોક્ટરને ઢોર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં માથામાં ગંભીર ઇજાના કારણે ડોક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ડોક્ટર પર આ મામલાને દબાવી દેવા માટે છેડતીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટર દ્વારા સમગ્ર ઘટનાને લઈને માર મારનારા ઈસમો અને પૈસા માગનાર યુવતી સહિતના લોકો સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
29 જાન્યુઆરીના રોજ બપોરના 1 વાગ્યાના સુમારે ડોક્ટર પ્રતીક મારુતિ એક્સરે અને સોનોગ્રાફીમાં પેશન્ટની નળીની તપાસ માટે ગયા હતા. જ્યારે ડોક્ટર પ્રતીક પેશન્ટની તપાસ કરી રહ્યા હતા. ત્યારે એક લેડીઝ હેલ્પર, એકસ રે ટેક્સનિશિયન અને પેશન્ટ રૂમમાં હાજર હતા. ડોક્ટર દર્દીની તપાસ કર્યા બાદ બહાર આવ્યા અને સોનોગ્રાફી સેન્ટરમાં પ્રકાશ વાસાણીની ઓફિસમાં બેઠા હતા. તે સમયે ડોક્ટરની સાથે દર્દીને તપાસ કરવામાં જે લેડીઝ હેલ્પર હતી તે તેની સાથે બે અજાણ્યા ઈસમોને લઈને ડોક્ટર પ્રકાશની ચેમ્બરમાં આવી અને ડોક્ટર પર છેડતીનો આક્ષેપ કર્યો હતો.
યુવતી અને તેની સાથે આવેલા ઈસમો દ્વારા ડોક્ટર પર છેડતીનો આક્ષેપ કર્યા બાદ આ કેસ પતાવવા મામલે 20 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને જો ડોક્ટર પૈસા ન આપે તો પોલીસ કેસ કરી ડોક્ટર અને તેની હોસ્પિટલને બદનામ કરવાની ધમકી ત્રણ ઈસમો દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ ડોક્ટરે પૈસા આપવાની ના પાડતા ડોક્ટર સાથે બોલાચાલી કરી રહેલા લોકોએ વધારે લોકોને હોસ્પિટલમાં બોલાવ્યા અને ડોક્ટરને માર માર્યો હતો. યુવતીની સાથે આવેલા લોકો દ્વારા ડોક્ટરને માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા મોહિત નામના ઈસમ દ્વારા ડોક્ટરને કતારગામના ડોન તરીકેની ઓળખ આપવામાં આવી હતી અને આ મોહિતે પોતાની પાસે રહેલા કોઈ હથિયાર વડે ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો. મારામારીમાં ડોક્ટરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી હોવા છતાં પણ તેને લોકો દ્વારા ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
મારામારીની ઘટના બાદ ડોક્ટરને સારવાર માટે 108ની મદદથી એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ ડોક્ટર એઇમ્સ હોસ્પિટલમાં આઈસીયુમાં વોર્ડ નંબર 207માં સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને યુવતી અને તેની સાથે આવેલા લોકો દ્વારા 29 જાન્યુઆરીના રોજ ડોક્ટર સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા યુવતી અને ડોક્ટરની સામ સામે ફરિયાદ લઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ યુવતી દ્વારા પણ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેને ડોક્ટર સામે આક્ષેપો કર્યા છે કે, ડોક્ટર પ્રતીક દ્વારા અગાઉ તેની સાથે બે વખત છેડતી કરવામાં આવી હતી, પરંતુ જે તે સમયે તેને ફરિયાદ કરી ન હતી પરંતુ હવે ડોક્ટરે ત્રીજી વખત તેની છેડતી કરતા તેને પોલીસ ફરિયાદ કરી છે.