હિંદુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે બાંગ્લાદેશનો આંતરિક મામલો નથી: સદગુરૂ

નવી દિલ્હી: ઈશા ફાઉન્ડેશનના આધ્યાત્મિક ગુરૂ સદગુરુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બાંગ્લાદેશમાં અશાંતિ પર તેમના વિચારો શેર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને, તેમણે હિંદુ કાઉન્સિલરના મૃત્યુ અને હિંદુ મંદિરો પરના હુમલાઓ વિશેના સમાચાર લેખનો સંદર્ભ આપ્યો હતો.‘અમારા પડોશની કમનસીબ વાસ્તવિકતાઓ. ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે ધાર્મિક ઉગ્રવાદ આપણા પ્રિય ભારત પર ક્યારેય કબજો ન કરે’.

વધુમં સદગુરૂએ પોસ્ટમાં લખ્યું છે,‘હિંદુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે બાંગ્લાદેશનો માત્ર આંતરિક મામલો નથી. જો આપણે આપણા પડોશમાં લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહેલામાં વહેલી તકે ઉભા થઈને કાર્ય નહીં કરીએ તો ભારત મહા-ભારત બની શકે નહીં. આ રાષ્ટ્રનો જે ભાગ હતો તે દુર્ભાગ્યે પડોશી બની ગયો, પરંતુ આ લોકોને – જેઓ ખરેખર આ સંસ્કૃતિના છે – આ આઘાતજનક અત્યાચારોથી બચાવવાની જવાબદારી આપણી છે.’

તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભાગી ગયા હતા. સરકારી નોકરીઓમાં અનામતને લઈને એક મહિનાથી ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનને કારણે અરાજકતા અને અશાંતિની સ્થિતિ સર્જાઈ હતી. હસીના દિલ્હીની બહારના હિંડન એરબેઝ પર ઉતરી હતી અને યુનાઇટેડ કિંગડમમાં આશ્રય માંગી શકે છે.

દેશભરમાં અરાજકતા જેવી સ્થિતિને પગલે બાંગ્લાદેશમાં લઘુમતીઓ ભારે સંકટમાં છે. બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશ આર્મીએ ઈમરજન્સી સંપર્ક નંબરોનું મોટું લિસ્ટ જાહેર કર્યું છે.