January 8, 2025

આતિશીનો આરોપ: ‘મને ફરી CM આવાસમાંથી કાઢી મૂકવામાં આવી’, PWDએ કર્યો ખુલાસો

Delhi Assembly Election 2025: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે દિલ્હીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તેની આગલી રાતે, કેન્દ્ર સરકારે મને મારા સરકારી ઘર, મુખ્યમંત્રી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. ચૂંટાયેલી સરકારના સીએમનું ઘર છીનવાઈ ગયું. 3 મહિના પહેલા પણ મારી સાથે આવું જ કરવામાં આવ્યું હતું. મારો સામાન ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો છે.

PWD વિભાગનું નિવેદન સામે આવ્યું
પીડબ્લ્યુડી વિભાગ અનુસાર, સીએમ આતિશીએ 6 ફ્લેગ સ્ટાફ રોડનો Physical કબજો લીધો ન હતો. વારંવાર રીમાઇન્ડર કરવા છતાં પણ આતિશી ઘરમાં શિફ્ટ ન થઈ. આતિશીના કહેવા પર ઘરમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઘરમાં શિફ્ટ ન થઈ. આ પછી ઘરની ફાળવણી રદ કરવામાં આવી હતી.

ભાજપે આરોપોનો આપ્યો જવાબ
બીજી બાજુ, ભાજપનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ખોટું બોલી રહ્યા છે. તેમને 11-ઓક્ટોબર-2024ના રોજ સીએમ આવાસ ફાળવવામાં આવ્યું હતું. તેણીએ હજી પણ તેનો કબજો લીધો નથી કારણ કે તે અરવિંદ કેજરીવાલને નારાજ કરવા માંગતી નથી. તેથી, ફાળવણી પાછી ખેંચી લેવામાં આવી હતી અને તેના બદલે તેમને વધુ બે બંગલા ઓફર કરવામાં આવ્યા હતા.