December 23, 2024

કેજરીવાલની ખુરશી પર ન બેઠા આતિશી, કહ્યું – ભરતની જેમ કામ કરીશ

Delhi: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની સાથે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની લાલ રંગની ખુરશી રાખવામાં આવી છે.

સીએમ આતિશીએ કહ્યું, આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં એ જ દર્દ છે જે રીતે ભરતજીને હતું, જે રીતે ભગવાન શ્રી રામ માટે ભરતજીએ કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.

આ પણ વાંચો: તિરુપતિ લાડુ વિવાદ બાદ મંદિરનું શુદ્ધિકરણ, દેવસ્થાનમના પ્રાયશ્ચિત માટે કરી ધાર્મિક વિધિ

“આ ખુરશી કેજરીવાલ જીની છે”
સીએમ આતિશીએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષથી બીજેપીએ અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી, તેમને 6 મહિના માટે જેલમાં પૂરો. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ વધુમાં કહ્યું કે, આ ખુરશી અરવિંદ કેજરીવાલ જીની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ જીને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ જીની આ ખુરશી અહીં જ રહેશે.

આતિશીએ વધુમાં કહ્યું કે, અમારા વિશ્વાસ સાથે અમે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ જીને આ ખુરશી પર બેસાડશું અને ત્યાં સુધી આ ખુરશી આ રૂમમાં જ રહેશે.

આતિશીએ દિલ્હીની કમાન સંભાળી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ હતા, ત્યારબાદ 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે એક એવી જાહેરાત કરી જેનાથી બધા ચોંકી ગયા. કેજરીવાલે 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેઓ આગામી બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. કેજરીવાલે 17 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ આતિશીએ પાર્ટીની કમાન સંભાળી.

AAP નેતા આતિશીએ 21 સપ્ટેમ્બરે સીએમ તરીકે શપથ લીધા હતા અને કેબિનેટની રચના કરી હતી. ત્યારબાદ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા હતા.