September 19, 2024

સિસોદિયાને સુપ્રીમમાં જામીન મળતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા આતિષી: WATCH VIDEO

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા જામીન આપી દીધા છે. સિસોદિયાને જામીન મળવાની ખુશીમાં દિલ્હીના મંત્રી આતિશી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. દિલ્હીના વિદ્યાર્થીઓની જીત થઈ છે. સિસોદિયાને એટલા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા કારણ કે તેમણે ગરીબ બાળકોને સારું શિક્ષણ આપ્યું હતું.

સિસોદિયાને જામીન મળતા ભાવુક થયા આતિષી
મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને 17 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. આટલું કહીને આતિષી રડવા લાગ્યા. દિલ્હીના મંત્રી આતિષીએ કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. દિલ્હીના શિક્ષણની જીત થઈ છે. દિલ્હીના બાળકોની જીત થઈ છે.

આતિશીએ કર્યા સિસોદિયાના વખાણ
દિલ્હીના મંત્રી આતિશીએ વધુમાં કહ્યું કે મનીષ સિસોદિયાએ દિલ્હીના બાળકોને શાનદાર ભવિષ્ય આપ્યું. આજે સિસોદિયાને જામીન મળતા અમે ખુશ છીએ. ટૂંક સમયમાં એવો સમય પણ આવશે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બહાર આવશે.

ગોપાલ રાયે પણ વ્યક્ત કરી ખુશી
તો, દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આજનો દિવસ સમગ્ર દિલ્હી અને દેશના લોકો માટે ખુશીનો દિવસ છે. મનીષ સિસોદિયાએ જે રીતે સમગ્ર દેશમાં શિક્ષણ ક્રાંતિનો રોલ મોડલ સ્થાપિત કર્યો, પરંતુ સરકારે તેમને 17 મહિના સુધી કોઈ પુરાવા વિના જેલમાં રાખ્યા. આજે સત્યની જીત થઈ છે. અમે બધા સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.

સુપ્રીમે આમ કહીને સિસોદિયાને આપ્યા જામીન
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું કે સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે અને કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી, જેના કારણે તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ખંડપીઠે કહ્યું કે આ મામલામાં મનીષ સિસોદિયાને જામીન માટે નીચલી કોર્ટમાં મોકલવા યોગ્ય નથી.

સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નીચલી અદાલતો અને હાઈકોર્ટે સમજવું જોઈએ કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. ખંડપીઠે સિસોદિયાને રૂ. 10 લાખના અંગત બોન્ડ અને એટલી જ રકમની બે જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.