September 27, 2024

UN મહાસભામાં ફ્રાંસના રાષ્ટ્રપતિએ કરી ભારતની વકાલત, UNSCમાં સ્થાયી સભ્યપદનું કર્યું સમર્થન

UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં તેમણે પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તરણની જરૂરિયાત વ્યક્ત કરી અને તેમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની હિમાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકા સહિત ઘણા મોટા દેશોએ પણ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવાનું સમર્થન કરી ચૂક્યા છે.

UN મહાસભાની બેઠકમાં બોલ્યા ફ્રાંસના રાષ્ટ્રપતિ
પોતાના સંબોધનમાં ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, “ફ્રાંસ સુરક્ષા પરિષદના વિસ્તરણના પક્ષમાં છે અને જર્મની જાપાન ભારત અને બ્રાઝિલને પણ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ હોવા જોઈએ. તેમજ આફ્રિકાના બે દેશોને તેમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પણ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાનું સમર્થન કર્યું છે. તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત, જાપાન અને જર્મનીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવું જોઈએ. અમેરિકી રાજદૂતે બે આફ્રિકન દેશોને સ્થાયી બેઠકો આપવાનું પણ સમર્થન કર્યું હતું અને અન્ય આફ્રિકન દેશોને સુરક્ષા પરિષદનું કામચલાઉ સભ્યપદ આપવાની હિમાયત કરી હતી.

જોકે, અમેરિકાએ બ્રાઝિલને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવા પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. અમેરિકાએ સુરક્ષા પરિષદમાં કેરેબિયન દેશો અને લેટિન અમેરિકન દેશોને સ્થાન આપવાનું પણ સમર્થન કર્યું હતું. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની માંગ કરી રહ્યું છે અને હવે વૈશ્વિક મંચ પર ભારતનું મહત્વ વધી રહ્યું છે ત્યારે વિશ્વના ઘણા દેશો પણ સુરક્ષા પરિષદમાં ભારતના સમાવેશને સમર્થન આપી રહ્યા છે.