January 5, 2025

આ સરકારી બાબુને 75 હજારનો પગાર ઓછો પડ્યો, 7 હજારની લાંચ લેતા ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓ સામે ગુજરાત એસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં એક બાદ એક લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં નવસારી આરટીઓ વિભાગના આસિસ્ટન્ટ મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટરને રૂપિયા સાત હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી આગળની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે નવસારી આરટીઓ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર મહિને 75 હજારનો પગાર ધરાવે છે. છતાં પણ વધુ રૂપિયા કમાવવાની લાલસાએ ઇન્સ્પેક્ટરે નવસારી ટોલ નજીક આવેલ હાઇવે પરથી પસાર થતાં ટ્રક ચાલકોને કાર્યવાહીનો ડર બતાવી હેમખેમ રીતે રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

રાજ્યમાં અવારનવાર સરકારી બાબુઓ લાંચની રકમ લેતા એસીબીના હાથે ઝડપાયા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ભ્રષ્ટાચાર કરી સરકારી બાબુઓ લોકો પાસેથી હજી પણ રૂપિયા પડાવી રહ્યા છે. જે લાંચિયા સરકારી બાબુઓ સામે એસીબીએ હવે સકંજો કસ્યો છે. નવસારી આરટીઓ વિભાગમાં આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરને એસીબી દ્વારા 7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબીના નાયબ અધિકારી આર.આર. ચૌધરીના જણાવ્યા મુજબ, એસીબીને માહિતી મળી હતી કે નવસારી ટોલ નજીક આવેલા હાઈવે પર આરટીઓ વિભાગના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ હાઇવે પરથી પસાર થતા પરપ્રાંતિય ટ્રકોને અટકાવી કોઈને કોઈ રીતે ડીટેઇન કરવાના નામે રૂપિયા પડાવી રહ્યો છે. તે મુજબની માહિતી અને ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા નવસારી હાઈવે પર છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી ટોલ નજીક આવેલા હાઈવ પરથી પસાર થતાં પરપ્રાંતિય ટ્રક ચાલક પાસેથી 7,000ની લાંચ લેતા નવસારી આરટીઓ વિભાગના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે ઇન્સ્પેક્ટર પાસેથી લાંચની રકમ કબજે લઈ આગળની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે માત્ર 7,000ની લાંચ લેનારો આરટીઓ ઇન્સ્પેક્ટર 75 હજારનો પગાર ધરાવે છે. સરકાર પાસેથી તો પગાર લે છે પરંતુ મોટો ભ્રષ્ટાચાર કરી હાઇવે પરથી પસાર થતાં પરપ્રાંતીય ટ્રક ચાલકો પાસેથી કાર્યવાહીના નામે વધુ રૂપિયા પણ પડાવે છે. હમણાં સુધી આ રીતે કેટલા રૂપિયા પડાવ્યા અને તેની સાથે અન્ય કોઈ અધિકારીની પણ સંડોવણી છે કે કેમ તેની વધુ તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.