December 25, 2024

CM પદ પરથી રાજીનામું આપશે અરવિંદ કેજરીવાલ , LGને મળવાનો સમય માંગ્યો

CM Arvind Kejriwal: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. સીએમ કેજરીવાલ આવતીકાલે સીએમ પદ પરથી રાજીનામું આપશે. સીએમ કેજરીવાલે પહેલા જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. આવતીકાલે જ નવા સીએમના નામની જાહેરાત પણ થઈ શકે છે. સીએમ કેજરીવાલને લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ તરફથી મંગળવારે (17 સપ્ટેમ્બર) સાંજે 4.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. દિલ્હીના આગામી સીએમ કોણ હશે તેને લઈને અનેક નામો પર ચર્ચા થઈ રહી છે. રેસમાં આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાઘવ ચઢ્ઢાના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ બે દિવસ પછી તેમના પદ પરથી રાજીનામું આપી દેશે. રવિવારે (15 સપ્ટેમ્બર) AAP કાર્યાલયમાં તેમના સંબોધન દરમિયાન, તેમણે કહ્યું હતું કે તેઓ હવે જનતાની અદાલતમાં જશે.

તમારો દરેક મત મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર: કેજરીવાલ
રવિવારે સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, “હું બે દિવસ પછી રાજીનામું આપીશ અને લોકો પૂછીશ કે શું હું ઇમાનદાન છું. હું જનતાને અપીલ કરવા માંગુ છું કે જો તમને લાગે કે કેજરીવાલ ઈમાનદાર છે તો મને મત આપો. જો તમને લાગે કે કેજરીવાલ દોષિત છે તો મને વોટ ન આપો. તમારો દરેક મત મારી પ્રામાણિકતાનું પ્રમાણપત્ર હશે.” અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે હું દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું.

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે?
દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની ધારણા છે. જો કે, અરવિંદ કેજરીવાલ, આતિશી અને આમ આદમી પાર્ટીના અન્ય ઘણા નેતાઓ ઈચ્છે છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી સમય પહેલા યોજવી જોઈએ.