January 22, 2025

અરવિંદ કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, દિલ્હીના CM તિહાર જેલમાં રહેશે

Arvind Kejriwal Custody: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોટો ફટકો પડ્યો છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હીના મુખ્યમંત્રીની 3 દિવસની સીબીઆઈ કસ્ટડી સમાપ્ત થયા બાદ તેમની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે.

નોંધનીય છે કે, સીએમ અરવિંદ કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ત્યારે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડીમાં હતા.

CBIની માંગ
સીબીઆઈએ કહ્યું કે સીએમ કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નથી, તેથી તેમના રિમાન્ડની જરૂર નથી. તપાસ એજન્સીએ કહ્યું કે આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવા જોઈએ. નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલની સાથે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સંજય સિંહ હાલમાં જામીન પર જેલની બહાર છે, જ્યારે મનીષ સિસોદિયા ગયા વર્ષથી જેલમાં છે.