May 18, 2024

UPની આ બેઠક પરથી લડી શકે છે ‘પ્રભુશ્રી રામ’, જાણો બેઠકનું ગણિત

ઉત્તર પ્રદેશ: ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2024ને લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશની મેરઠ-હાપુર સંસદીય બેઠક માટે બીજી યાદીમાં મોટો ખેલ કરે તેવું લાગી રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ વર્તમાન સાંસદ રાજેન્દ્ર અગ્રવાલની ટિકિટને કાપીને તેની જગ્યાએ અરુણ ગોવિલને મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે. રામાયણ સિરિયલમાં ભગવાન રામના રોલથી બધાનું દિલ જીતનાર અરુણ ગોવિલનું નામ ખૂબ જ ચર્ચામાં છે. મહત્વનું છે કે, અન્ય લોકોના નામની ચર્ચા ચાલી રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા અરુણ ગોવિલની છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો પૈકી મેરઠ-હાપુડ સીટને ચૂંટણીની દૃષ્ટિએ ઘણી મહત્વની માનવામાં આવે છે. આ બેઠક જીતવામાં મુસ્લિમ મતદારોની મોટી ભૂમિકા છે કારણ કે અહીં મુસ્લિમોનો મોટો વર્ગ છે. આ ઉપરાંત અહીં દલિતોની પણ મોટી વસ્તી રહે છે.

બેઠકનું જાતિગત સમીકરણ
2019ના આંકડા અનુસાર મેરઠમાં લગભગ 5 લાખ 64 હજાર મુસ્લિમોની વસ્તી છે. બીજા નંબરે દલિત છે. આ ઉપરાંત અહીં જાટવ સમુદાયના 3 લાખ જેટલા લોકો છે. આ ઉપરાંત વાલ્મિકી સમાજના 58,700 લોકો છે. સામાન્ય જાતિની વાત કરીએ તો બ્રાહ્મણ સમુદાયની વસ્તી 1 લાખ 18 હજાર, વૈશ્ય 1 લાખ 83 હજાર, ત્યાગી સમુદાય 41 હજાર, જાટ 1 લાખ 30 હજાર અને ગુર્જરો 56,300 છે. આ ઉપરાંત સૈની સમાજની 41 હજાર 150, પ્રજાપતિ સમાજની 46 હજાર 800, પાલ સમાજની 27 હજાર અને કશ્યપની 30 હજારની આસપાસ વસ્તી છે. મેરઠ હેઠળ 5 વિધાનસભા બેઠકો છે. તેમાં હાપુડ, કિથોર, મેરઠ કેન્ટ, મેરઠ સિંટી અને મેરઠ દક્ષિણનો સમાવેશ થાય છે.

ભાજપે 2 માર્ચે પ્રથમ યાદી જાહેર કરી હતી. 195 ઉમેદવારોની યાદીમાં ઉત્તર પ્રદેશની 51 બેઠકોના નામ પણ છે. હવે દરેકની નજર પાર્ટીની બીજી યાદી પર છે કારણ કે એવી ચર્ચા છે કે પાર્ટી ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ નકારી શકે છે. હાલમાં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ મેરઠથી સાંસદ છે, પરંતુ આ વખતે તેમની ટિકિટ કપાય તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘણા નામોની ચર્ચા થઈ રહી છે.