December 28, 2024

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો કેટલો છે ભાવ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઇ ચુક્યું છે અને યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રીગણેશ થયા હતા. યાર્ડમાં સરેરાશ 600 થી 1000 બોક્સની આવક થઇ રહી છે અને 600 થી 1800 રૂપીયા પ્રતિ બોક્સના ભાવે હરાજી થઇ રહી છે. જો કે હજુ કેરીની શરૂઆત છે પરંતુ આવતાં દિવસોમાં કેરીની આવક વધતાં ભાવમાં ઘટાડો થશે. ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાની કેરીના પાકને અસર પડી છે તેથી ચાલુ વર્ષે કેરી બજારમાં આવતા હજુ વાર લાગશે તેમ છતાં સારી આવક રહેશે તેવી આશા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 દરમિયાન કેરીની આવક સરેરાશ 2000 થી 5000 બોક્સ હતી. વર્ષ 2023 દરમિયાન કેરીના ભાવ સરેરાશ 250 થી 500 પ્રતિ બોક્સ હતા. જ્યારે વર્ષ 2024 દરમિયાન કેરીની આવક સરેરાશ 600 થી 1000 બોક્સ હતા. વર્ષ 2024 દરમિયાન કેરીના ભાવ સરેરાશ 600 થી 1800 પ્રતિ બોક્સ હતા. આમ ગત વર્ષની સરખામણીએ એપ્રિલ મહિનાની સરેરાશ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સામે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આમ તો છેલ્લા પંદર દિવસથી બે પાંચ બોક્સ કેરીની આવક શરૂ થઈ હતી પરંતુ હવે છેલ્લા બે દિવસથી સરેરાશ 600 થી 1000 જેટલા બોક્સની આવક થઈ રહી છે. હજુ કેરીની સિઝનની શરૂઆત છે અને ભાવ પણ ઉંચા છે. પરંતુ કેરી વર્ષમાં એક જ વખત આવતી હોય ટપોટપ તેનો ઉપાડ થઈ જાય છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં અનિયમિતતા જોવા મળી હતી. જેના કારણે ફ્લાવરીંગ બરાબર થયું ન હતું પરંતુ હવે ગરમી પણ વધી છે. એટલે બજારમાં કેરીની આવક થશે અને આવક વધતાં ભાવ પણ ઘટશે. હાલ ભલે ઉંચા ભાવો હોય પણ સ્વાદના શોખીનો મોંઘા ભાવની કેરી પણ લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ધીમે ધીમે આવક વધતાં કેરી પુરજોશમાં ઓછા ભાવમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે.