September 12, 2024

અંજારમાં ભરચક બજારમાં યુવકને રહેંસી નાંખનાર કૌટુંબિક વેવાઈ ઝડપાયો

નિતીન ગરવા, અંજાર: અંજાર શહેરના 12 મીટર રોડ પર આવેલા ગંગાનાકા બજારમાં મંદિર પાસે પૈસાની લેવડદેવડ મુદ્દે કૌટુંબિક વેવાઈએ જગદીશ શંભુ દાતણિયા (કુંવરિયા) (ઉ.વ.41) નામના યુવાનની છરી વડે સરાજાહેર હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવથી ધમધમતી બજારમાં દોડધામ થઈ પડી હતી. ગાંધીધામ, વરસામેડી બાદ ગતરોજ ત્રીજા દિવસે અંજારમાં હત્યાનો બનાવ બનતાં ભારે ચકચાર પ્રસરી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને કાશ્મીરની ચૂંટણી લડશે

અંજારના વિજયનગરમાં નીચલા વાસમાં રહેનાર જગદીશ નામના યુવાનની સરાજાહેર હત્યા નીપજાવવામાં આવી હતી. વિજયનગરમાં જ ઉપલા વાસમાં રહેતા બનાવના આરોપી અને જગદીશના કૌટુંબિક વેવાઈ એવા કાનજી નાનજી દાતણિયાને મૃતક જગદીશે રૂ.5000 આપ્યા હતા. રકમ પરત ન મળતાં જગદીશ તેની વારંવાર ઉઘરાણી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. દરમ્યાન ગતરોજ બપોરે આ બન્ને કૌટુંબિક વેવાઈ એવા યુવાનો મોપેડ ઉપર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે પણ રકમની માંગ કરાઈ હતી. આ બન્ને 12 મીટર રોડ, ગંગાનાકા બજાર મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે આરોપી કાનજી ઉશ્કેરાઈ ગયો હતો અને જગદીશને છાતી તથા પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં જગદીશ નીચે ઢળી પડયો હતો. લોહી નિંગળતી હાલતમાં નીચે પડેલા યુવાન ઉપર વધુ ઘાની કોશિશ કરાઈ હતી. તેવામાં એક વ્યક્તિ વચ્ચે પડતી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જણાયું હતું.

પોતાના સંબંધીનું ઢીમ ઢાળીને આરોપી બનાવ સ્થળથી છરી સાથે નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની માહિતી અંજાર પીઆઇ એ.આર.ગોહીલને મળતા તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યાએ પહોંચી પોલીસની જુદી-જુદી ટીમો બનાવી તેમજ આજુબાજુના લાગતા વળગતા CCTV ફુટેજના એનાલીસીસ તેમજ હ્યુમનસોર્સના આધારે સરાજાહેર યુવાનને રહેંસીને નાસી ગયેલા આરોપીને પોલીસે તાત્કાલિક પકડી પાડયો હતો.