December 19, 2024

Adani હેલ્થ વેન્ચર્સ લિમીડેટના નામે કરોડોની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા

મિહિર સોની, અમદાવાદ: અદાણી હેલ્થ વેન્ચર્સ કંપનીની ફાર્મસી અને ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરના ગેંગ ઝડપાઇ છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધીને 3 આરોપીની કરી ધરપકડ છે. આ ઠગ ટોળકીએ જયપુર, હરિયાણા અને કોલકાત્તામાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

AHVL નામની બનાવટી ફર્મ બનાવીને તેનું અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ તરીકે માર્કેટિંગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કેસનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કરીને રાજસ્થાન અને પશ્ચિમ બંગાળથી 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીમાં સૌમ્યજીત ઉર્ફે તોતોન ગાંગુલી, રાકેશકુમાર સાવ અને બીપુલ બીશ્વાસ છે. આ ત્રિપુટી ગેંગે અદાણી કંપનીના નામનો લોગો તેમજ કંપનીના CIN નંબરનો ઉપયોગ કરીને કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને AHVLના નામે જયપુર અને કોલકાત્તામાં ઓફિસ શરૂ કરી હતી અને અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ફાર્મસી અને ડિસ્ટ્રીબ્યુશનશિપ આપવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ઠગાઈ આચરી છે. આ ગેંગનો ભોગ બનેલા લોકોએ અદાણીની કંપનીને મેઈલ કરીને તપાસ કરતા આ ટોળકીનો ભાંડો ફૂટ્યો હતો. અદાણી હેલ્થ વેન્ચર્સ કંપનીના મેનેજરએ સાયરબ ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીને ઝડપી લીધા હતા.

માસ્ટર માઈન્ડ અશ્વિની કુમાર હજુ ફરાર
સાયબર ક્રાઇમે તપાસમાં ઠગાઈનો માસ્ટર માઈન્ડ કોલકત્તાનો અશ્વિની કુમાર ઉર્ફે શશી કુમાર છે, જે વોન્ટેડ છે. આ અશ્વિની કુમારે બનાવતી ફર્મ બનાવીને અદાણીના નામે છેતરપિંડીની ગેંગ શરૂ કરી હતી. જેમાં પકડાયેલા આરોપીમાં સૌમ્યજીત ગાંગુલીને ઓનલાઈન નોકરીને જાહેરાત આપીને પોતાની ગેંગમાં સામેલ કર્યો હતો. આરોપી સૌમ્યજીત BSC સુધીનો અભ્યાસ કર્યો છે. ઓનલાઈન નોકરીની જાહેરાત દ્વારા તે અશ્વિની કુમારના સંપર્કમાં આવ્યો હતો અને અશ્વિનીએ રૂ 2.49 લાખનો પગાર નક્કી કરીને સૌમ્યજીતને રિજિયોનલ સેલ્સ મેનેજર બનાવ્યો હતો. આ આરોપી કોલકાત્તા, જયપુર અને હરિયાણામાં જુદા જુદા લોકોને ફાર્મસી અને ડીસ્ટ્રીબ્યુશનશિપનું માર્કેટિંગ કરીને લોકોને ટાર્ગેટ કરતો હતો અને રાકેશકુમારએ કોલકાત્તામાં કંપનીમાં પોતાના નકલી આધાર કાર્ડ, સીમકાર્ડ તેમજ બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરીને છેતરપિંડી આચરી હતી. જ્યારે બીપુલ બીશ્વાસ નામનો આરોપીએ કોલકત્તામાં AHVL કંપનીના પ્રૉપ્રાઈટર બનીને ઠગાઈ કરી. આ ટોળકી ડીસ્ટ્રીબ્યુશનશિપ માટે જુદી જુદી કેટેગરીમાં રોકાણ કરાવતી હતી. જેમાં સ્ટેટ માટે 5 કરોડ, ડિસ્ટ્રિક માટે 1.50 કરોડ, બ્લોક અને ઓનલાઈન બ્લોક માટે 50 લાખનું રોકાણ કરાવતી હતી. આ પ્રકારે કરોડો રૂપિયા પડાવ્યાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે આ ત્રિપુટીની ધરપકડ કરીને અદાણી કંપનીના નામે ઠગાઈનો ભેદ ઉકેલી દીધો છે. આ છેતરપીંડી નો માસ્ટર માઈન્ડ અશ્વિની કુમાર હજુ ફરાર છે. જેથી સાયબર ક્રાઇમે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીના નામે લોભામણી માટકેટિંગની જાહેરાતોથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે.