January 19, 2025

ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર બની કરી લૂંટ, ઈરાની ગેંગના 2 આરોપીની ધરપકડ

મીહિર સોની, અમદાવાદ: રાજ્યમાં અવારનવાર ચોરી લૂંટફાટની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર બનીને લૂંટ કરનાર ઈરાની ગેંગના 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રથી બાઈક લઈને આવીને પોલીસ બનીને લૂંટને અંજામ આપ્યું હતું. ઝોન 1 LCBએ અજમેરથી બન્ને આરોપીની ધરપકડ કરી. લૂંટ કરતી નકલી પોલીસ ટોળકી CCTV માં પણ કેદ થઈ હતી.

મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી અબાલુ જાફર ઈરાની અને તાહિર સૈફૂઅલી ઈરાનીની ધરપકડ કરી છે. આ મહારાષ્ટ્રની કુખ્યાત ઈરાની ગેંગના સભ્યો છે જે નકલી પોલીસ બનીને લોકો પાસેથી લૂંટ કરે છે. નોંધનીય છે કે વાડજમાં નિર્ણયનગર ગરનાળા નજીક પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા આ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપીને ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ છે. તેવું કહીને ડરાવીને સોનાના દાગીનાની લૂંટ કરી. આ આરોપીએ રાકેશ નામનું પોલીસનું નકલી આઈકાર્ડ પણ બતાવ્યું હતું. ભોગ બનનારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . પોલીસે ઘટનાના 200થી વધુ CCTV કેમેરા ચેક કરીને ઈરાની ગેંગનો પર્દાફાશ કર્યો અને રાજસ્થાનના અજમેરથી બંને આરોપીને ઝડપી લીધા છે.

આ પણ વાંચો: સુરતના રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયા, પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો

પકડાયેલા ઈરાની ગેંગના આરોપી અબાલુ અને તાહિર મૂળ મહારાષ્ટ્રના પુનાના રહેવાસી છે. આ આરોપી મહારાષ્ટ્રથી બાઈક લઈને અમદાવાદ લૂંટ કરવા આવ્યા હતા. તેઓએ નકલી પોલીસનું આઈકાર્ડ બનાવ્યું હતું અને સોનાના દાગીના પહેરેલા કે જેની પાસે રૂપિયા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા. આરોપીએ તેલંગણાના પાસિંગની મિત્રની બાઈક લઈને અમદાવાદ આવીને લૂંટ કરી બાઈક પર પુના પહોંચ્યા હતા અને ત્યાં લૂંટનો મુદ્દામાલ છુપાવીને રાજસ્થાન ખાતે અજમેરમાં વધુ એક લૂંટ કરવા રેકી કરી રહ્યા હતા. પરંતુ ઝોન 1 LCBની ટીમે આરોપીને ઝડપી લીધા હતા. આ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 7 જેટલા ગુના નોંધાયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને લૂંટના સોનાના દાગીના અને બાઈક જપ્ત કરી છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈરાની ગેંગના બન્ને આરોપીને ઝોન 1 LCBએ પકડીને વાડજ પોલીસને સોંપ્યા છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઈરાની ગેંગના અન્ય સભ્યો કોણ છે અને અમદાવાદમાં અન્ય ક્યાં ક્યાં લૂંટને અંજામ આપ્યો છે તે તમામ મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.