July 5, 2024

ઇન્સ્યોરન્સ કંપનીમાં નાણાનું રોકાણ કરાવી છેતરપિંડી કરનાર 1 આરોપીની ધરપકડ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર તાલુકાના ચિત્રાસણીની બેન્ક ઓફ બરોડા શાખામાં ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નાણાનું રોકાણ કરાવી અને વધુ વ્યાજની લોભામણી લાલચ આપી 91 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે, જોકે મુખ્ય સૂત્રધાર ફરાર છે અને તેની પોલીસે તપાસ હાથ ધરી છે. 24 ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી અને લાખોની છેતરપિંડી કરનાર ઇસમની પોલીસે અટકાયત કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલ આરોપી પાસેથી બેથી અઢી કરોડની છેતરપિંડી બહાર આવે તેવી શક્યતા છે.

પાલનપુર તાલુકાના ચિત્રાસણી બેન્ક ઓફ બરોડામાં 18 મેએ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. બેંક ઓફ બરોડામાં રહેલા ગ્રાહકોના થાપણના પૈસા ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અને તેના એજન્ટે 24 ગ્રાહકોના 91 લાખ જેટલા નાણાં બારોબાર ઘર ભેગા કરી ખોટી રસીદો આપી અને છેતરપિંડી આચરી હતી. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગ્રાહકોનું કહેવું હતું કે, લોભામણી સ્કીમ અને લોભામણી લાલચો આપી અને છેતર્યા છે અને અમારા નાણાં હડપ કરી ગયા છે, આરોપી સામે કડક કાર્યવાહી થાય અને નાણા પરત મળે તેવી ગ્રાહકોએ માગણી કરી છે.

19 મે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હંગામી કર્મચારી તરીકે bank of barodaમાં કામ કરતા સાગર દેસાઈની પોલીસે અટકાયત કરી છે, જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આસુ અગ્રવાલ સામે 91 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. પોલીસે તેના સાથીદાર સાગર દેસાઈની અટકાયત કરી અને પોલીસે કોર્ટમાંથી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા છે. પોલીસ અન્ય સ્ટેટમેન્ટ અને બેન્ક અધિકારીઓના જવાબને આધારે અત્યારે તો પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ છેતરપિંડીનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. બે થી અઢી કરોડની છેતરપિંડી ગ્રાહકો સાથે થઈ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.