July 27, 2024

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના નિર્ણયને અર્જૂન મોઢવાડીયાએ વખોડ્યો

આગામી ૨૨ જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં યોજાનાર રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં પણ જાણે ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અને અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ આપવમાં આવ્યું હતું. પરંતુ પાર્ટીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. જેને લઇને અર્જૂન મોઢવાડીયાએ પોતાની પ્રતિક્રિયા x પર આપી છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈને પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે કે, ભગવાન રામ આરાધ્ય દેવ છે લોકોની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આવા નિર્ણય ન લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ નહીં લે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. લોકસભામાં કોંગ્રેસ સાંસદ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. તમને જણાવી દઈએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થવાનો છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ હસ્તીઓ ભાગ લેશે. નોંધનીય છે કે અગાઉ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. મંદિરનું કામ પુરું થયા પહેલાં પ્રાણપ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી. બીજી બાજુ  મમતા બેનર્જી પણ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. જોકે TMC દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને રાજકીય ઘટના ગણાવી રહ્યા છે. વધુમાં કહ્યું કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીપ્રચાર માટે રામમંદિરનો સ્પ્રિંગબોર્ડ તરીકે ઉપયોગ કરવા માગે છે. જેથી અમારી પાર્ટી આ આયોજનથી દૂર રહી છે.