January 16, 2025

અરવલ્લી-સાબરકાંઠામાં અનેક પોન્ઝી સ્કિમની ઓફિસોમાં તાળા, રોકાણકારો ચિંતામાં

સંકેત પટેલ, અરવલ્લીઃ સાબરકાંઠા અને અરવલ્લીમાં BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ બાદ જિલ્લામાં આવેલી અલગ અલગ એન્ટરપ્રાઇઝને ખંભાતી તાળા લાગ્યા છે. ઓફિસોના બોર્ડ ઉતારી દેવામાં આવ્યા છે. CID ક્રાઇમ દ્વારા તપાસ કરતા બીજી ત્રણ એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે. જેમાં આરકે એન્ટરપ્રાઇઝ, હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ અને કેકે એન્ટરપ્રાઇઝ સામે CID ક્રાઈમે ગુનો દાખલ કર્યો છે અને તપાસ પણ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લામાં CID ક્રાઈમે તપાસ હાથ ધરી હતી. તેમાં BZ અને અન્ય ત્રણ એટલે કે ચાર એન્ટરપ્રાઇઝ સામે તપાસ તેજ કરી છે. રોકાણકારોને લોભામણી લાલચો આપી અને પૈસા પડાવ્યા છે. ત્યારે આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા અને હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના સીઈઓ અર્જુનસિંહ અને ધનુષસિંહ બંને ભૂગર્ભમાં ઉતર્યા છે. ઓફિસોના આગળ લગાવેલા બોર્ડ પણ ઉતારી લીધા છે. હજુ સુધી એકપણ એન્ટરપ્રાઇઝના સીઈઓની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે રોકાણકારોમાં એક ચિંતાનો વિષય બન્યો છે.

મોડાસામાં બાયપાસ પર પોન્ઝી સ્કીમ ચલાવતી વધુ બે પેઢી ઉઠી સીઆઇડીની ક્રાઇમની તપાસ બાદ રાતોરાત બે ઓફિસનાં બોર્ડ ઉતરી ગયા સંચાલકોના રોકાણકારો સાથેના મોંઘા મોબાઈલની ગિફ્ટ કરતાં ફોટા વાયરલ મોડાસામાં બાયપાસ પર પોન્ઝી સ્કીમ ચલાવતી બે કંપનીનું ઉઠામણું થયું હોવાની ચર્ચાએ શહેરમાં ચકચાર મચાવી છે. બંને ઓફિસોના રાતોરાત હોર્ડિંગ અને બોર્ડ ઉતરી જતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓફિસમાં કામ કરતાં લોકોના રોકાણકારોને રૂ.500ના બંડલમાં વ્યાજ આપતા અને મોંઘા મોબાઈલની ગિફ્ટ આપતાં ફોટા વાયરલ થયા છે.

મોડાસામાં ચાલતી બે ઓફિસોમાં પોન્ઝી સ્કીમમાં મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા રોકાણકારોના કરોડો રૂપિયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે મોડાસા શહેરમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા જુદી જુદી ફાયનાન્સિયલ ઓફિસો ઉપર દરોડા પાડ્યા બાદ આસપાસની દુકાનદારોના નિવેદનો લેવાનું શરૂ કરાતા રાતોરાત મોડાસા બાયપાસ પરની બંને ઓફિસોના શટર બંધ થઈ જતાં રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા છે. આ ઉપરાંત બંને ઓફિસોમાં રોકાણકારોને મહિને 5થી 22% સુધીનું વ્યાજ અપાતું હોવાની શહેરમાં ચર્ચા જાગી છે.

મોડાસાના શહેરીજનો કહી રહ્યા છે કે, છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી શહેરની જુદી જુદી જગ્યાએ સીઆઇડી ક્રાઈમ દ્વારા દરોડા પાડીને પોન્ઝી સ્કીમ ચલાવતા લોકો સામે તમારી શરૂ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેરમાં રોકટોક વગર પોન્ઝી સ્કીમ ચલાવતા લોકોનો રાફડો ડફાટ્યો હોવાની છેલ્લા કેટલાય સમયથી બૂમ ઉઠી છે. છતાં પણ આવા લોકો સામે વિભાગીય તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં ન આવી તેવી પણ જાગૃત નાગરિકોની બૂમ ઉઠી છે. ત્યારે મોડાસા શહેરના બાયપાસ રોડ ઉપર પોન્જી સ્કીમ ચલાવતા બે ઓફિસોના શટર રાતો બંધ થઈ ગયા છે. અરવલ્લી સાબરકાંઠા અને અન્ય જિલ્લામાં લોકોને લાખો કરોડોનું રોકાણ કરાવીને બી ઝેડ ગ્રુપના એજન્ટો અને રોકાણ કરાવનાર એજન્ટ શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટમાંથી જામીન નામંજૂર થયા બાદ સંચાલકો અને એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અરવલ્લી અને સાબરકાંઠામાં CID ક્રાઈમી અત્યાર સુધીમાં 49 લોકોના નિવેદનો લીધા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં સાત જેટલા એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.