December 17, 2024

અરવલ્લીમાં ખેડૂતોને વરસાદથી મોટું નુકસાન, 50 હેક્ટરમાં ચોમાસું પાક ધોવાયો

સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લામાં વ્યાપક વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી દીધી છે. શામળાજી-મોડાસા હાઇવે ઉપર આવેલા એક ગામની 50 હેક્ટર ખેતી તળાવમાં ફેરવાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્રના સરવેના અભાવે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદે ડેમ અને તળાવો ઓવરફ્લો થયા હતા. જેના કારણે ખેડૂતોના ચોમાસું પાક ધોવાઈ ગયા હતા. શિયાળુ સિઝનમાં પણ ખેતી ન થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. મોડાસા શામળાજી હાઇવે પર આવેલા મોટી ઇસરોલ ગામના 50થી વધુ ખેડૂતોની આજીવિકા બરબાદ થઈ ગઈ છે.

ગામમાં હાઇવેની બાજુમાં 50 હેક્ટર જમીનમાં ખેતી કરવામાં આવી હતી. મગફળી, મકાઈ, ઘાસચારાની વાવણી કરવામાં આવતા પાક ખૂબ સારો દેખાતો હતો. ખેડૂતોને આશા હતી કે ચોમાસું સિઝન ખૂબ સારી જશે, પરંતુ કુદરતે માત્ર ત્રણ દિવસમાં 20 ઇંચ વરસાદમાં સ્થિતિ પલટી નાખી હતી. હવે ખેડૂતો આગામી બેથી ત્રણ મહિના સુધી ખેતરમાં જઈ નહીં શકે એવી સ્થિતિ ઊભી થઈ છે. હાઈવેની બાજુમાં આવેલા બે તળાવો ઓવરફ્લો થતા ખેતરો પણ તળાવ બની ગયા છે અને મગફળી અને મકાઈનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે.

ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, મગફળીના વાવેતરમાં એક વીઘામાં 15 હજારથી વધુનો ખર્ચ છે. ચાર વીઘા ધરાવતો ખેડૂત 60 હજારના નુકસાનમાં છે. હાઈવેની બાજુમાં હોવાથી ખેડૂતોને તંત્ર પાસે અપેક્ષા હતી કે, તંત્ર અધિકારીઓ અહીં નજર નાંખશે. મહિનો વીતવા છતાં આંખે પાટા બાંધેલું તંત્ર અહીં ફરક્યું નથી. 50 હેક્ટરમાં પાણી ભરવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે, ખેતીવાડી વિભાગ, ગ્રામ પંચાયત તેમની મદદે આવે અને સર્વે કરી સહાય આપે. હાલ તો સ્થિતિ એવી બની છે કે, મગફળીના પાકમાંથી નીતરતા પાણી ખેડૂતોના આંસુઓ જેવા દેખાય છે. સંપૂર્ણ નિઃસહાય અને નિષ્ફળ ખેતી ખેડૂતોની હિંમત તોડી રહી છે.