December 23, 2024

AR રહેમાન-સાયરા બાનુ લગ્નના 29 વર્ષ બાદ છૂટાછેડા લેશે, જાણો ચોંકાવનારું કારણ

નવી દિલ્હીઃ ઓસ્કાર વિનર મ્યુઝિક કમ્પોઝર અને સિંગર એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનુના છૂટાછેડા થઈ રહ્યા છે. આ ચોંકાવનારા સમાચાર સિનેમા જગતમાંથી આવ્યા છે, આ સાંભળીને પહેલા તો લોકોને લાગ્યું કે આ ફેક ન્યૂઝ છે, પરંતુ જેમ-જેમ દંપતી અને તેમના બાળકોના રિએક્શન આવવા લાગ્યા, ત્યારે લોકોએ દુઃખી હૃદયે સ્વીકારવું પડ્યું કે હા, આ સમાચાર સાચા છે. લગ્નના 29 વર્ષ બાદ એઆર રહેમાન અને સાયરા બાનુએ તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. બંને વચ્ચેના સંબંધો કેટલાક વર્ષોથી સારા નહોતા ચાલી રહ્યા, ત્યારબાદ તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો છે. સાયરા બાનુના વકીલના જણાવ્યા અનુસાર, ઘણાં વર્ષો પછી બંનેએ માનસિક તણાવને કારણે અલગ થવાનો આ મુશ્કેલ નિર્ણય લીધો છે. આ મામલે એઆર રહેમાને પણ પ્રતિક્રિયા આપી છે.

એઆર રહેમાન અને સાયરા બાનુના લગ્નને 29 વર્ષ થયા છે. આવી સ્થિતિમાં કપલના અલગ થવાની જાહેરાતે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. એઆર રહેમાને 1995માં સાયરા બાનુ સાથે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. લગ્ન પછી તેમને 3 બાળકો છે.

તેઓ શા માટે અલગ થઈ રહ્યા છે?
સાયરા બાનુના વકીલ વંદના શાહે તેમના ક્લાયન્ટ વતી નિવેદન આપતાં જાહેરાત કરી કે, ‘લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ એઆર રહેમાનથી અલગ થવાનો આ મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણી ખેંચતાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અપાર પ્રેમ હોવા છતાં બંનેને જાણવા મળ્યું કે આ તણાવથી તેમની વચ્ચે મોટી ખાઈ ઉભી થઈ ગઈ છે.’

સાયરાની જનતાને અપીલ
સાયરાએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે તેણે આ નિર્ણય તેના સંબંધોમાં રહેલા દર્દ અને વેદનાને કારણે લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે. કારણ કે તે તેના જીવનના સૌથી મુશ્કેલ અને પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે.