December 22, 2024

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ, હાથમાં તલવાર લઈ મચાવ્યો આતંક

મિહિર સોની, અમદાવાદ: શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. અસામાજિક તત્વો તલવારો લઇને સોસાયટીમાં ઘુસી તોડફોડ કરી હતી. જેને લઇને સોસાયટીના રહીશોમાં ભય નો માહોલ સર્જાયો હતો. આ ધટના મામલે સ્થાનિક રહીશોએ વીડિયો પણ બનાવ્યાં છે. શિવમ એપાર્ટમેન્ટના ફ્લેટમાં દારૂની મહેફિલ માણી નીચે ઉતરતા સ્થાનિકોએ અટકાવતા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, પણ કારણ હજુ સામે આવ્યું નથી. બીજી બાજુ, પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

અમવાદમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ચાણક્યપુરીના શિવમ એપાર્ટમેન્ટના B-205 નંબરના ફ્લેટમાં દારૂની મહેફિલ માણી નીચે ઉતરતા સ્થાનિકોએ અટકાવતા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. આ ફ્લેટ પંકજ ભાઈ પટેલ નામના વ્યક્તિના નામે હોવાનું આવ્યું સામે આવ્યું છે. બીજી બાજુ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો કે પોલીસને આ ઘટનાની જાણ કરવા છતાં પોલીસે યોગ્ય જવાબ ન આપ્યો હતો. આ સાથે દારૂના નશામાં યુવતીની છેડતી તેમજ બેઠેલા લોકો પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. છેડતી કરનારને પકડતા ઘાટલોડિયાના રોહિત ઠાકોર નામના વ્યક્તિએ સાથીઓ સાથે મળી આતંક મચાવ્યો હતો.

અસામાજિક તત્વોના ત્રાસને લઇને સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સોસાયટીમાં અસામાજિક તત્વોના આતંકને લઈ મહિલાઓ જણાવ્યું હતુ કે, મહિલા તરીકે અમારી સોસાયટીમાં કોઈ સેફ્ટી નથી રહી. ઘાટલોડિયાનો રવિ ઠાકોર એમને મારવાની ખુલ્લે આમ ધમકી આપી છે. દારૂ મહેફીલમાં પાંચ લોકો દારૂના નશામાં ફ્લેટની યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ સોસાયટીએ કર્યા હતા. છેડતી કરનારા પકડીને રાખતા અસમાજિક તત્વો આવી તલવાર, ધારિયા અને લાકડી લઈને આતંક મચાવ્યો હતો અને સોસાયટીમાં પથ્થર મારો પણ કર્યો હતો. બીજી બાજુ, આ ઘટનાની પોલીસને જાણ કર્યા છતાં આરોપીઓ નાસી ગયા બાદ આવી હતી.