પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી વિધેયક પાસ, ફાંસી અથવા મૃત્યુ સુધી આજીવન કેદની જોગવાઈ
પશ્ચિમ બંગાળ: બંગાળ વિધાનસભામાં આજે મંગળવારે દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકમાં દુષ્કર્મ અને પીડિતાના મૃત્યુના દોષિત વ્યક્તિને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના દોષિતોને જામીન વિના આજીવન કેદની સજા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે બળાત્કારના દોષિતોને કડક સજા મળવી જ જોઈએ. વિધાનસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યો શિખા ચેટર્જી, અગ્નિમિત્રા પોલ અને શુભેંદુ અધિકારીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કોલકાતાની ઘટના બાદ કાયદો મજબૂત કરવા ઉઠી હતી માંગ
બંગાળ સરકારના આ બિલ ‘અપરાજિતા મહિલા અને બાળ બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લૉ એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024’નો ઉદ્દેશ્ય દુષ્કર્મ અને જાતીય અપરાધો સંબંધિત નવી જોગવાઈઓમાં સુધારો કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે. ગત મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ચાલી રહેલો હોબાળો હજુ અટક્યો નથી. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે કડક પગલા ભરવાની માંગ ઉઠી છે.
એવામાં રાજ્ય સરકારે સોમવારથી વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. આ વિશેષ સત્રમાં મંગળવારે રાજ્યના કાયદા મંત્રી મોલોય ઘટક દ્વારા બળાત્કાર વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે બિલને કાયદો બનાવીને વહેલી તકે લાગુ કરવામાં આવે.