January 5, 2025

વડોદરામાં પતંગની દોરીથી વધુ એક યુવાન ઈજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Vadodara: ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ રસિયાઓ અગાઉથી જ પતંગ ચગાવવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ આ વચ્ચે ઉત્તરાયણમાં ઘણી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે હવે વડોદરામાં પતંગની દોરીથી વધુ એક યુવાન ઈજાગ્રસ્ત થયો છે. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે બાઈક પર જતા યુવકનું દોરીને કારણે ગળુ કપાઈ ગયું છે. જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સયાજીગંજ વિસ્તારમાં રહેતા અમર બહાદુર રાણાના ગળામાં પતંગની દોરીથી ઈજા થઈ છે. જોકે, લોહીલુહાણ થઈને ઢળી પડતાં રાહદારીઓ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક સયાજીગંજ વિસ્તારમાં જ ખાણીપીણી લારી પર ફરજ બજાવે છે. રવિવારે રાત્રે ઘરેથી લારી ઉપર જતા ઘર પાસે જ ગળામાં પતંગનો દોરો આવી જતાં આ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, પતંગના દોરાને કારણે અગાઉ બેથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત, નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું