December 25, 2024

ડિજિટલ અરેસ્ટના નામે પૈસા પડાવતી વધુ એક ગેંગનો પર્દાફાશ, 12 લોકોની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી પૈસા પડાવતી વધુ એક ગેંગનો પર્દાફાશ થયો. નારણપુરા પોલીસે ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગ 12 આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગે દેશમાં અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે. ત્યારે આરોપી ઠગાઇના પૈસામાંથી 10 થી 20 ટકા કમિશન મેળવતા હતા. પણ ડિજિટલ અરેસ્ટ સ્ક્રેમના રેકેટના માસ્ટર માઇન્ડ ચાઇનાની ગેંગ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વધુ એક યુવતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે. નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 15 ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે થાઇલેન્ડ મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ, બીજો ફોન કરી યુવતીને એનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદી જુદી એજન્સીઓનાં બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની PDF ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલ રૂપિયા RBIમાં જમાં કરાવવા પડશે, વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમાં રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા. યુવતી સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નારણપુરા પોલીસે તપાસ કરતા ઠગાઈના પૈસા અલગ અલગ ચાર બેંકોમાં જમા થયા હતા. જેના આધારે સાબરકાંઠાના સંકેત દેસાઈની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. જે બાદ પોલીસે રાજસ્થાન બાલોતરા રેડ કરી ને મીની કૉલ સેન્ટર પકડી ચાર લોકોની ધરપકડ કરી હતી.

નારણપુરા પોલીસે ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે રાજસ્થાનનાં બાલોતરા જિલ્લામાં કોલ સેન્ટરમાં રેડ કરી આરોપી શંકરલાલ ચૌધરી, રામારામ ચૌધરી, હિમાંશુ ગુપ્તા અને અશ્વિની કુમાર અગ્રવાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ, પકડાયેલ આરોપી સાથે સંકળાયેલા આરોપી યોગેશ ઉર્ફે મોન્ટુ યાદવ, શિવમરમણ યાદવ, કિરણ કુમાર નાયડુ, જોસેમ ગોંડર, દીપક કુમાર દાસ અને રાહુલ સુકેજા ની ધરપકડ કરી. જે આરોપી બેંક એકાઉન્ટ ભાડે આપવાનું અને અન્ય આરોપીઓ ઠગાઇના કૉલ સેન્ટરમાં કસ્ટમર ને ઠગાઈ કરવા નોકરી પર રાખ્યા હતા. ત્યારે તમામ આરોપી ને 10 થી 20 ટકા કમિશન આપવામાં આવતું હતું એટલું જ નહિ આરોપી શંકરલાલ ચૌધરી ઠગાઈ નાં પૈસા યુ. એસ. ટી ડી માં કન્વર્ટ કરીને આગળ મોકલતો હતો.

આરોપીઓ પાસે થી પોલીસ એ 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબૂક, 8 ડેબિટ કાર્ડ સહિત નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે ડિજિટલ અરેસ્ટ સ્કેમ માસ્ટર માઈન્ડ ચાઇના થી ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું છે. જે ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યો ને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી જેમાં ફ્રોડ ના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. હાલ માં પોલીસ એ આરોપીઓની ધરપકડ કરી ને આ ગેંગ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.