January 22, 2025

ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો… અમરેલીમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

Amreli: રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો જાણો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના તાતણીયા ગામેથી વધુ એક બોગસ ડોકટર પકડાતા ચકચાર મચી જવા પામી છે. ડિગ્રી વગર ઘરમાં જ રાણા નામનો વ્યક્તિ ક્લિનિક ચલાવતો હતો. તમને જણાવી દઈએ કે, ન્યૂઝ કેપિટલના રિપોર્ટર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા આ ભાંડો ફૂટ્યો છે.

મળતી માહિતી અનુસાર દિવસે-દિવસે નકલી પોલીસ, જજ, અધિકારીઓ તેમજ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના તાતણીયા ગામે નકલી ડોક્ટર ઝડપાયો છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 11 જેટલા નકલી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો ઝડપાયા છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડોક્ટરો જોવા મળ્યા હતા. તાતણીયા ગામે જોવા મળેલ ડિગ્રી વગર અને બોગસ ડો.હસુ બગખથલીયા ક્લિનિકમાં તાળા મારી ભૂગર્ભ જતો રહ્યો છે.

આ પણ વાંચો: વધુ એક નરાધમ શિક્ષકની કાળી કરતૂત, ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકી સાથે કર્યું ન કરવાનું…

વધુમાં ખાંભાના તાતણીયા ગામે ત્રણ ડોક્ટરો વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. જોકે આ મામલે ન્યુઝ કેપિટલની ટીમ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રિયાલિટી ચેક કરવા પહોંચી હતી. પરંતુ અમરેલી જિલ્લાનું આરોગ્યતંત્ર અને પોલીસ ઊંઘતી જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટરો સામે કાર્યવાહી કરવા માગ ઉઠી રહી છે. ન્યૂઝ કેપિટલ અનેક પુરાવા આપે છે તેમજ બોગસ ડોકટરોને ખુલ્લા પાડે છે. તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી.