હોટેલમાં વોક ઇન ઇન્ટરવ્યૂ મામલે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું – કંપનીની ભૂલ, કાર્યવાહી થશે
ભરૂચઃ અંકલેશ્વરની લોર્ડ પ્લાઝા હોટેલમાં એક વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધક્કામુક્કી દરમિયાન રેલિંગ તૂટી ગઈ હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
તેમણે જણાવ્યુ હતુ કે, ‘કંપનીની ભૂલના કારણે આવી ઘટના બની છે. ભાજપ તો દેશ અને રાજ્યમાં બેરોજગારોને ધંધા-રોજગારની સાથે નોકરીઓ પણ આપે છે. કંપનીમાં 5 જ લોકો લેવાના હતા. તેની સામે 1500 આવ્યાં. તંત્ર આ કંપની સામે પણ એક્શન લેવા માટે વિચારી રહ્યું છે. કારણ કે, કંપનીની ભરતીની પદ્ધતિ ખોટી છે. આગામી દિવસોમાં તમામ કંપનીઓ સાથે કર્મચારીઓની ભરતી બાબતે ચર્ચા કરી સ્થાનિકોને જ લેવા સૂચના આપવામાં આવી છે.’
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીના ઓપન વોક ઇન ઇન્ટરવ્યૂમાં બેરોજગાર યુવાનો તૂટી પડ્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલા વિદ્યાર્થીઓએ પડાપડી કરી હતી. ત્યારે સરકારનો રોજગારી આપ્યાનો દાવો પોકળ સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, 5 પોસ્ટ માટે 1500 લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા. જેમાં લોર્ડ પ્લાઝા હોટેલની રેલિંગ ધક્કામુક્કીને કારણે તૂટી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવ્યો હતો.