January 22, 2025

તિરુપતિ મંદિરે 8 દિવસમાં 30 લાખ લાડુ વેચાયા, શ્રદ્ધાળુઓની આસ્થા અડગ

આંધ્ર પ્રદેશઃ તિરુપતિ મંદિર દેશ-વિદેશમાં સ્થાયી થયેલા લાખો હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુનું ખૂબ મહત્વ છે. લોકોમાં ઊંડી શ્રદ્ધા છે. હાલમાં જ આ લાડુને લઈને વિવાદ ઉભો થયો હતો. તિરુપતિ મંદિરમાં મળેલા પવિત્ર લાડુમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરવાનો આરોપ હતો. એનિમલ ફેટ અને બીફનો પણ ઉપયોગ કરવાની વાત હતી. તેનાથી કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. હવે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)એ ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે. તિરુપતિ મંદિર પ્રશાસને જણાવ્યું કે, વાર્ષિક બ્રહ્મોત્સવના પ્રથમ 8 દિવસમાં 30 લાખ લાડુનું વેચાણ થયું હતું. આ દરમિયાન લાખો ભક્તોએ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા.

તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, બ્રહ્મોત્સવમના પ્રથમ 8 દિવસ દરમિયાન ભક્તોએ 30 લાખ લાડુ ખરીદ્યા. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મોત્સવ દરમિયાન ભગવાન વેંકટેશ્વર સ્વામીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ટીટીડીએ શનિવારે જણાવ્યું હતું કે, બ્રહ્મોત્સવ 9 દિવસ સુધી ચાલે છે, જેનો છેલ્લો દિવસ 12 ઓક્ટોબર હતો. આ સમયગાળા દરમિયાન અંદાજે 15 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. TTD અનુસાર, આ વર્ષે બ્રહ્મોત્સવમના અવસર પર ભક્તોએ 30 લાખ નાના લાડુ ખરીદ્યા હતા. દરેક લાડુની કિંમત 50 રૂપિયા છે. ગયા વર્ષે પણ આ સમય દરમિયાન આટલા જ લાડુનું વેચાણ થયું હતું.

કરોડો રૂપિયાની કમાણી
TTDએ તિરુપતિ તિરુમાલા મંદિરની વાર્ષિક કમાણી વિશે પણ માહિતી આપી છે. દેવસ્થાનમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 26 કરોડ રૂપિયાનું હુંડી કલેક્શન થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ 2 કરોડ વધુ છે. મતલબ કે તિરુપતિ મંદિરની આવક વધી છે. તેમજ સંસ્થા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 26 લાખ લોકોમાં અન્નપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે બ્રહ્મોત્સવમ દરમિયાન 16 લાખ ભક્તોને અન્નપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે આ વર્ષે 10 લાખ વધુ ભક્તોએ અન્નપ્રસાદ મેળવ્યો હતો.

તિરુપતિ મંદિરમાં નિઃસ્વાર્થ ભાવે ભક્તોની સેવા કરતા સ્વયંસેવકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ગયા વર્ષે 3300 શ્રીવારી સેવકો (સ્વયંસેવકો)એ ભક્તોની સેવા કરી હતી. આ વખતે આ સંખ્યા વધીને 4000 થઈ ગઈ છે. આ ઉપરાંત 45 ડોક્ટરો, 60 પેરામેડિકલ સ્ટાફ અને 13 એમ્બ્યુલન્સ પણ શ્રદ્ધાળુઓની સેવામાં રોકાયેલા હતા.