January 18, 2025

50 યુગલોના સમૂહ લગ્ન સાથે અનંત-રાધિકાના ભવ્ય લગ્નની શરૂઆત

મુંબઈ: દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. છેલ્લા 1 વર્ષથી તેમના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે, તેમના લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્વારા મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારે મુંબઇમાં 50 થી વધુ ગરીબ યુગલોના લગ્ન કરાવી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહત્વનું છે કે, અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થવા જઈ રહ્યા છે, જેમાં દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહેશે. હવે લગ્નના ગણતરીના દિવસો બાકી છે ત્યારે લગ્ન પહેલા અંબાણી પરિવારે ગરીબ પરિવારના લોકો માટે સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવારે મુંબઈથી લગભગ 100 કિમી દૂર આવેલા પાલઘર વિસ્તારમાંથી આવતા 50 થી વધુ વંચિત યુગલો માટે સમુહ લગ્નનું આયોજન કર્યું હતું.

અનંત-રાધિકાના લગ્નની રંગારંગ તૈયારીઓ શરૂ
અંબાણી પરિવાર અનંત-રાધિકાના લગ્નની કંકોત્રીઓ વહેંચવામાં વ્યસ્ત છે. હવે પૂજાપાઠ બાદ લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ જ ક્રમમા 2 જુલાઈએ મુંબઈમાં અંબાણી પરિવાર દ્વારા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્ન માટે અંબાણી પરિવારે ગરીબ યુગલો માટે કપડાથી લઈને ઘરેણાં સુધીની વ્યવસ્થા કરી હતી. સૌથી મોટી ખાસ વાત તો એ છે કે કાર્યક્રમમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીથી લઈને તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા, પુત્રી ઈશા અંબાણી અને જમાઇ આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા.

ગરીબ યુગલોને આપ્યા ઘરેણાં સહિત 36 ભેટ સોગાતો
અંબાણી પરિવાર તરફથી દરેક યુગલને મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની ચુની, સહિત અનેક સોના અને ચાંદીના ઘરેણાં આપવામાં આવ્યા. આ ઉપરાંત દરેક દુલ્હનને ‘સ્ત્રીધન’ તરીકે 1 લાખ 1 હજાર રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો. દરેક યુગલને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવખરીની વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી, જેમાં 36 પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે વાસણો, ગેસ સ્ટવ, મિક્સર, ગાદલા, તકિયા વગેરે વસ્તુઓ સામેલ હતી.

‘માનવ સેવા એ જ માધવની સેવા’ સૂત્રને સાકાર કરતો અંબાણી પરિવાર
સમૂહ લગ્ન સમારંભ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુગલોના પરિવારો સહિતના લગભગ 800 લોકોએ હાજરી આપી હતી. અંબાણી પરિવારે ભારતીય સાર્થક કરતા સૂત્ર “માનવ સેવા હી માધવ સેવા” – “માનવતાની સેવા એ ભગવાનની સેવા છે.” ની ભાવના દર્શાવી હતી.