January 18, 2025

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની વડોદરાથી ધરપકડ

વડોદરાઃ અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરાથી આરોપી વિરલ આસરાની ધરપકડ કરવામાં આવી છે. જીઓ કન્વેન્સન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. તેને પગલે મુંબઈ પોલીસે વડોદરામાંથી વિરલ આસરા નામના આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ વડોદરા આવી હતી અને તેના રહેઠાણ આજવા રોડ પર આવેલા એપાર્ટમેન્ટ પર પહોંચી હતી. ત્યાંથી જ આરોપી વિરલ આસરાને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મુંબઈ પોલીસને બાપોદ પોલીસે મદદ કરી હતી. ત્યારે હાલ આરોપીને મુંબઈ લઈ જવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપી હતી.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બ હોવાની ચર્ચા હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બોમ્બ વિશે ચર્ચા હતી. મુંબઈ પોલીસ હવે એવા X યુઝરને શોધી રહી છે, જેણે અંબાણીના લગ્નમાં બોમ્બ હોવાની વાત કરીને શંકાસ્પદ પોસ્ટ કરી હતી.