આણંદમાં પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકની હત્યા, 2 આરોપીની ધરપકડ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Anand-Murder-News.jpg)
યોગીન દરજી, આણંદઃ પરિણીતા પર ખરાબ નજર નાંખી તેને અવારનવાર પ્રેમસંબંધ રાખવા મજબૂર કરનારા યુવકની પરિણીતા અને તેના પતિ એ જ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આણંદના વ્હેરાખાડી ગામે ઠાકોરીયા વિસ્તારની આ ઘટના છે. અહીં પરિણીતાના એક તરફી પ્રેમમાં પડેલા યુવાનની હત્યા ના કેસમાં આણંદ પોલીસે દંપતીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, વ્હેરાખાડી ગામમાં રહેતા 39 વર્ષીય નબીશા છોટુશા દિવાન સીમમાં ઠાકોરીયા વિસ્તારમાં કેનાલ પાસે આવેલા ખેતરમાં ભેંસોનો તબેલો બનાવી પશુપાલન તેમજ ખેતી કરતો હતો. ગત રવિવારે નબીશા મોડી સાંજના સુમારે તબેલામાં ભેંસો દોહવા ગયો હતી. ત્યારબાદ રાત્રે પોણા દસ વાગ્યા સુધી ધરે પરત નહીં આવતા નબીશા દિવાનના પત્ની નાઝીયાબાનુએ જેઠ શાબીરશાને જાણ કરતા જેઠ સાબીરશા દિવાન અને પુત્ર ફૈઝ ખેતરમાં જઈ તબેલામાં નબીશાની તપાસ કરતા તબેલામાં લોહીથી લથપથ નબીશાની ઉંધી લાશ પડી હતી.
આ ઘટનાને લઈને શાબીરશાએ ખંભોળજ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનનારા નબીશાના ભાઈ સાજીદશા છોટુશા દિવાનની ફરીયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હ્યુમન રીસોર્ટ, ટેક્નિકલ રીસોર્સ અને ડૉગ સ્કવોર્ડની મદદ લીધી હતી.
આ સમગ્ર ઘટનામાં એલસીબી પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટ તેમની ટીમ તેમજ ખંભોળજ પોલીસે તપાસનો ધમઘમાટ તેજ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને બાતમી અને ડોગ સ્કવોર્ડની મદદથી હત્યાની ઘટનાના માત્ર ત્રણથી ચાર કલાકમાં જ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાં પોલીસે તબેલાની પાછળનાં ભાગમા નજીકમાં રહેતા દંપતી 36 વર્ષીય જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર અને 32 વર્ષીય ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો ઠાકોરની અટકાયત કરી તેમની ઝીણવટભરી પૂછપરછ કરતા દંપતીએ એક મિત્રની મદદથી ત્રણેય ભેગા મળીને નબીશાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
મૃતક નબીશા દિવાન છેલ્લા છ માસથી ભાવનાબેનની સાથે પ્રેમસબંધ રાખવા દબાણ કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી ભાવનાબેને આ બાબતે પતિ જયદીપભાઈ ઉર્ફે જગોને જાણ કરતા જયદીપ ઉર્ફે જગો આ જાણીને ઉશ્કેરાઈ ગયો હતો. ગત રવિવારની મોડી સાંજે નબીશા દિવાન ભેંસોનાં તબેલામાં ભેંસો દોહવા ગયા હતા, ત્યારે જયદીપ ઉર્ફે જગો તેની પત્ની ભાવના અને અન્ય એક મિત્ર સહિત ત્રણેય જણા પાવડો, કુહાડી અને લાકડી લઈને તબેલામાં ઘુસી ગયા હતા અને નબીશા પર પાછળથી હુમલો કરી માથામાં તેમજ હાથનાં કાંડામાં તીક્ષ્ણ હથિયાર અને પાવડાનાં ઘા ઝીંકી માથું ફાડી નાંખ્યું હતું. આ ઉપરાંત તેનું મોઢું છૂંદીને કાંડામાંથી હાથ કાપી નાંખ્યા હતા. આમ ક્રૂરતાપૂર્વક હત્યા કરી ઘરે ચાલ્યા ગયા હતા.
આ મામલે પોલીસે હત્યા કરનારા દંપતીની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.