KDCC બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, બેન્કના સેક્રેટરીની ધરપકડ
યોગીન દરજી, ખંભાતઃ ચરોતરની જીવાદોરી ગણાતી કેડીસીસી બેન્ક સાથે રૂપિયા 2.04 કરોડની રકમની છેતરપિંડી કરવામાં આવી છે. ખંભાત તાલુકાની મીતલી સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવી હતી. જે લોનના નાણા ચેરમેન અને સેક્રેટરીએ વસૂલ કર્યા બાદ તે રકમ કેડીસીસી બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા.
એટલું જ નહીં, જે જમીન પર બોજો દાખલ કરી લોન આપવામાં આવી હતી, તે બોજો પણ હટાવવા માટે કેડીસીસી બેંકના ખોટા સહી સિક્કા બનાવ્યા હોવાની ગંભીર બાબત સામે આવતા સમગ્ર મામલે હવે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખંભાત ગ્રામ્ય પોલીસે હાલ બેંકના સેક્રેટરીની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય 10 જેટલા આરોપીઓ હજી ફરાર છે.
આ અંગે કેડીસીસી બેંકના સિનિયર મેનેજર વિપુલકુમાર દિનેશચન્દ્ર મહેતાએ કુલ 11 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2018માં મીતલી સેવા સહકારી મંડળી દ્વારા 22 જેટલા સભાસદો અને સેક્રેટરી રમેશભાઈ બચુભાઈ વાળંદ દ્વારા કબુલવામાં આવેલા 15 બાકીદારોની જમીનો મંડળીના તારણમાં મૂકાવીને તેમની બેંકમાંથી લોન આપવામાં આવી હતી. સભાસદો પાસેથી લોનની રીકવરી કરીને બેન્કમાં જમા કરાવવાની જવાબદારી સેક્રેટરીની હતી. પરંતુ સેક્રેટરી દ્વારા ચેરમેન અને અન્ય સભાસદોની સાથે મળી મુખ્ય બેંક કેડીસીસી સાથે છેતરપિંડી કરતા હવે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.