January 22, 2025

જીતોડિયામાં આવેલું પૌરાણિક શિવાલય, વિધર્મીઓથી બચાવવા 200 સંતો-મહંતોએ બલિદાન આપ્યું

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાના પચ્ચીસમાં દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે આણંદમાં. જિલ્લાના જીતોડિયા ગામમાં આવેલું છે અનોખું પૌરાણિક શિવાલય. આ શિવાલયનું નામ છે જીતોડિયા વૈજનાથ મહાદેવ. આવો જાણીએ તેનો ઇતિહાસ અને કેટલીક રોચક વાતો…

શું છૈ પૌરાણિક માન્યતા?
એક પ્રચલિત ઇતિહાસ મુજબ, જે તે સમયે આ જગ્યાએ જંગલ વિસ્તાર હતો. એક સ્થળ ઉપર ગાયના દૂધનો અભિષેક જાતે જ થઈ જતો હતો. આ જગ્યાએ ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. આ વાતની જાણ રાજા સિદ્ધરાજ જયસિંહને થતા તેમના દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇતિહાસ પ્રમાણે વિક્રમ સંવત 1212માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ મંદિરનું બાંધકામ પથ્થર, ચૂના અને માટીથી કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. આ ઉપરાંત મંદિરને બચાવવા માટે અનેક ગોસ્વામીએ પોતાનો જીવ આપ્યો છે. હાલ પણ ગોસ્વામી દ્વારા આપવામાં આપેલા બલિદાનથી આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે, આ વસ્તુ તે સમયના ઇતિહાસને તેમજ ધર્મપ્રેમને ઉજાગર કરે છે.

200થી વધુ લોકોએ આપ્યું બલિદાન
પહેલાના સમયે ભારતના વિવિધ મંદિર જેમ કે, સોમનાથ જેવા મહત્વના મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે ગુજરાતનું આ મંદિર પણ ખૂબ જ મહત્વનું હોવાથી આ મંદિર પર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આ મંદિરને જમીનદોસ્ત થતા બચાવવા માટે તે સમયના ગોસ્વામી પરિવારના લોકોએ લડત આપીને બલિદાન આપ્યું હતું. આ મંદિરને બચાવવા માટે 200થી 250 જેટલા ગોસ્વામી સંતો અને મહંતોએ બલિદાન આપ્યું હતું. આજે પણ મંદિર પાસે તેમની સમાધિ તેમના બલિદાનની સાક્ષી પુરાવી રહી છે.

કેવી રીતે પહોંચવું?
આ મંદિર આણંદના જીતોડિયા ગામમાં આવેલું છે. ગુજરાતના દરેક શહેરથી આણંદ જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે. રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી આણંદ જઈ શકાય છે. આણંદથી જીતોડિયા વૈજનાથ મહાદેવના મંદિરે જવા રિક્ષા-ટેક્સીની સુવિધા મળી છે.