આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીનો આપઘાત, કેનાલમાં ઝંપલાવ્યું

આણંદઃ જિલ્લાના બોરીયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેનની પત્નીએ આપઘાત કર્યો છે. નવનિયુક્ત ચેરમેન રૂષિન પટેલની પત્નીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
બોરીયાવીના રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દોઢ વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરીયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
રિદ્ધિ સુથાર મોડેલિંગ અને ઇનફલ્યુન્સર તરીકે કામ કરતી હતી. પતિ રૂષિલ પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં બીજેપીના મેન્ડેડથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. અચાનક રિદ્ધિના સ્યુસાઇડથી બોરીયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કણજરી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી.